નવી દિલ્હીઃ દિલ્હી પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે બુધવારે કાર્યભાર સંભાળ્યો હતો. આ કાર્યક્રમમાં 1984 શીખ રમખાણોના આરોપી અને પૂર્વ કોગ્રેસ સાંસદ જગદીશ ટાઇટલરની હાજરીથી વિવાદ પેદા થઇ ગયો છે. શીલા દીક્ષિતના પદભાર ગ્રહણ કરવાના કાર્યક્રમમાં ટાઇટલરને પ્રથમ લાઇનમાં સ્થાન આપવાને લઇને વિવાદ પેદા થઇ ગયો છે.

વાસ્તવમાં દિલ્હી કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અજય માકનના કાર્યકાળ દરમિયાન પ્રદેશ કોગ્રેસે શીખ રમખાણોના આરોપી જગદીશ ટાઇટલર અને સજ્જન કુમારને નજરઅંદાજ કર્યા હતા. એટલે સુધી કે કોગ્રેસના કાર્યક્રમમાં આ બંન્ને નેતાઓની હાજરી પણ કોગ્રેસના નેતાઓને પસંદ નહોતી. 9 એપ્રિલ 2018ના રોજ દિલ્હી પ્રદેશ કોગ્રેસના એક કાર્યક્રમમાં તો કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવતા અગાઉ બંન્ને નેતાઓને જતા રહેવાનો ઇશારો કરી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં જ જ્યારે શીખ રમખાણો મામલામાં સજ્જન કુમારને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી ત્યારે પાર્ટીએ તેનાથી અંતર બનાવ્યું હતું.

હવે દિલ્હી કોગ્રેસમાં શીલા દીક્ષિતે કાર્યભાર સંભાળ્યો છે ત્યારે બંન્ને નેતાઓ ફરીથી કોગ્રેસ પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે કહ્યું કે, રાહુલજી પણ એ કરી રહ્યા છે જે તેમનો પરિવાર કરી રહ્યો હતો. તેમણે બતાવી દીધું કે શીખોની ભાવના માટે તેમના મનમાં કોઇ આદર નથી. દિલ્હી પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળતા સમયે શીલા દીક્ષિતે કહ્યું કે, પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ડબલ કામ કરવું પડશે. નોંધનીય છે કે શીલા દીક્ષિતે પ્રથમવાર દિલ્હી કોગ્રેસનું પદ 1998માં સંભાળ્યું હતું. શીલા દીક્ષિત ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.