મુંબઈ: મહારાષ્ટ્રના જલગાંવમાં ભાજપની એક સભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે ભાજપના કાર્યકર્તાઓ અંદરોઅંદર જ મારપીટ કરવા લાગ્યા હતા. આ ઘટના બની ત્યારે મંચ પર મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ અધ્યક્ષ સાંસદ રાવ સાહેબ દાનવે અને ધારાસભ્ય ગિરીશ મહાજન હાજર હતા.


જલગાંવમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ પદની ચૂંટણી માટે નેતાઓ પોતાના કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરવા પહોંચ્યા હતા. જિલ્લાના ઘણા વિસ્તારના લોકો પોત-પોતાના ઉમેદવારના પક્ષમાં નિવેદન આપવા માટે મંચ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બે ગ્રુપ વચ્ચે વિવાદ શરૂ થયો હતો અને મામલો મારપીટ સુધી પહોંચ્યો હતો.

આ દરમિયાન એક શખ્સે મંચ તરફ આગળ વધી રાવસાહબ દાનવે અને ગિરીશ મહાજન પર સ્યાહી ફેંકવાની કોશિશ કરી જેને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. ખૂબ લાંબા સમય સુધી ભાજપની આ સભામાં હંગામો થયો હતો અને મંચ પર હાજર ભાજપના દિગ્ગજ નેતાઓ પોતાના કાર્યકર્તાઓને સમજાવતા જોવા મળ્યા હતા.

આ પ્રથમ વખત નથી કે આ પ્રકારનો મામલો સામે આવ્યો હોય. આ પહેલા જલગાંવમાં ભાજપની એક સભામાં મારપીટ થઈ હતી. એ સમયે પણ ભાજપના નેતા ગિરીશ મહાજન મંચ પર હાજર હતા.