નવી દિલ્હી: જેએનયૂ હિંસા મામલે પોલીસની તપાસ પર હવે કૉંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કૉંગ્રેસે સીસીટીવી ફુટેજ ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા તે સ્પષ્ટ છે. પોલીસે જેને વિકાસ પટેલ કહ્યો તે શિવ મંડલ છે. પોલીસની તપાસ નિષ્પક્ષ નથી.


અજય માકને કહ્યું કે કૉંગ્રેસ માંગ કરે છે કે જેએનયૂના વીસી એમ જગદીશ કુમારની સાથે દિલ્હી પોલીસ કમિશનરને પણ હટાવવામાં આવે. તેમણે કહ્યું કે અમને આશા હતી કે પોલીસ તપાસમાં ન્યાય થશે, દોષિતોના નામ જાહેર કરવામાં આવશે. પરંતુ જે રીતે લગ્નમાં જમીને આરામથી નિકળી જાય તેમ બુર્ખાધારીઓ નિકળી ગયા. પોલીસની તપાસ પર પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ પણ આ ઘટનામાં સામેલ હોય તેમ લાગે છે. તેમણે કહ્યું જેએનયૂ ઘટનામાં ગૃહમંત્રીની ભૂમિકા અંગે તપાસ થવી જોઈએ.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી મામલે દિલ્હી પોલીસે શુક્રવારે જણાવ્યું કે હિંસામાં સામેલ નવ વિદ્યાર્થીઓ ઓળખ થઈ ગઈ છે. જેમાં જેએનયૂ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સહિત નવ લોકોના નામ સામેલ છે. દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું કે આ મામલાને લઈને ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે જેએનયૂ હિંસા મામલે અત્યાર સુધી ત્રણ કેસ નોંધાયા છે. તેની સાથે પોલીસે તસવીર પણ શેર કરી છે, જેમાં બે સંદિગ્ધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છે અને સાત લેફ્ટ સાથે જોડાયેલા છે.