કોલકત્તાઃ પશ્વિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લામાં એક બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અજાણ્યા લોકોના ટોળાએ બીજેપી કાર્યકર્તાને ઘેરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.

ઘટના દક્ષિણ પરગના જિલ્લાના મંદીર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા બ્લોક સ્તરના નેતા શક્તિપારા સરદારની તેના ઘર પાસે કેટલાક અજાણ્યા લોકોએ ધારદાર હથિયારોથી હુમલો કરી હત્યા કરી દીધી હતી. ઘટના સમયે 45 વર્ષીય સરદાર પોતાના કામ પરથી ઘરે પાછો ફરી રહ્યો હતો. હુમલા બાદ પાડોશીઓએ સરદારને નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેને કોલકત્તા રેફર કરાયો હતો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઇ ગયું હતું.

મૃતક બીજેપી નેતાના પરિવારજનોએ દાવો કર્યો હતો કે, પંચાયત ચૂંટણી બાદથી જ સરદારને ધમકીઓ મળી રહી હતી. મંદિર બજાર પંચાયત ચૂંટણીમાં 15 બેઠકોમાંથી 9 ટીએમસીએ જીતી હતી જ્યારે છ બેઠકો ભાજપે જીતી હતી. મૃતક ભાજપ નેતા સરદાર સક્રીય કાર્યકર હતો. સરદારની હત્યા પાછળ ટીએમસીના કાર્યકર્તાઓ પર આરોપ લાગ્યો છે. જ્યારે ટીએમસીએ પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા. પુરુલિયાના પંચાયત સમિતિ ચૂંટણીમાં વિજય હાંસલ કરનારા ભાજપના બિરંચી કુમારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. બિરંચી કુમારના મતે આ વર્તમાન સરકારના ઇશારા પર થઇ રહ્યું છે. સત્તાધારી દળ ધમકી ભર્યા પત્રો મોકલી રહ્યા છે જેમાં લખ્યું છે કે 2019માં અમે જોઇ લઇશું.