કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક જવાનનું અપહરણ કરી હોવાની ઘટના સામે આવી છે. પરિવારનો દાવો કર્યો છે કે ગઇકાલે રાત્રે કાશ્મીરના ત્રાલમાંથી આતંકવાદીઓ તેને ઉઠાવી ગયા હતા. અત્યાર સુધી જવાનનો કોઇ પુરાવો મળ્યો નથી. મુદાસિર અહમદ નામનો આ જવાન અવંતિપુરાના રાશિપુરામાં તૈનાત હતો. પોલીસનું કહેવું છે કે મુદાસિરના અપહરણની ઘટનાની પુષ્ટી કરવામાં આવી રહી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાય સમયથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ દ્ધારા સુરક્ષાકર્મીઓનું અપહરણ કરી તેની હત્યા કરવાની ઘટનાઓ બની રહી છે. પુલવામાના ત્રાલમાં રહેતા સુરક્ષાકર્મી મુદ્દાસિરનું આતંકીઓએ અપહરણ કર્યું છે. આ જવાન રાશિપુરા ચોકીમાં રસોઇ બનાવવાનું કામ કરતો હતો.
નોંધનીય છે કે આ અગાઉ આતંકીઓએ શોપિયાથી પોલીસ જવાન જાવેદ અહમદ ડારનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેનો મૃતદેહ કુલગામમાંથી મળી આવ્યો હતો. ડારની હત્યાની જવાબદારી આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીને લીધી હતી.