નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના પુરુલિયામાં બીજેપીની એક દલિત કાર્યકર્તાની હત્યા કરી તેની લાશને ઝાડ સાથે લટકાવી દેવામાં આવી હતી. તેની લાશ પાછળ એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જેના પર લખ્યું હતું કે, બીજેપી માટે કામ કરનારા લોકોની હાલત આવી જ થશે.
એક રિપોર્ટ પ્રમાણે, સુપઢિહ ગામની પાસે જંગલમાં એક વૃક્ષ પર બીજેપીના દલિત કાર્યકર્તાની લાશ લટકાવતા ખળભળાટ મચી ગયો છે. મૃતકની ઓળખ 18 વર્ષીય ત્રિલોચન મહતોના રૂપમાં થઇ છે. બીજેપીના નેતાઓએ કહ્યું કે, કેટલાક બુકાનીધારી લોકોએ તે યુવકને ઉઠાવી ગયા હતા અને તેની હત્યા કરી દીધી હતી. બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ આ ઘટનાને ટ્વિટર પર પોસ્ટ કરી હતી.
ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે હાલિયા પંચાયત ચૂંટણીમાં બીજેપી તરફથી ત્રિલોચને સક્રીય કામગીરી કરી હતી જેને કારણે તેની હત્યા કરી દેવામાં આવી હતી. અને તેની લાશ પાછળ પોસ્ટર લગાવી લખ્યું હતું કે, ઓછી ઉંમરમાં બીજેપી માટે કામ કરનારાઓની આવી હાલત થાય છે.
પુરુલિયાના પોલીસ અધિકારી જોય બિસ્વાસે કહ્યું કે, બીજેપી કાર્યકર્તાની હત્યા મામલે તપાસ ચાલી રહી છે. શરૂઆતના તપાસમાં જાણવા મળ્યું છે કે આ આંતરિક ઝઘડાનો કેસ છે. જિલ્લા અધ્યક્ષ વિદ્યાસાગર ચક્રવર્તીએ આરોપ લગાવ્યો હતો કે, આ ટીએમસીના ગુંડાઓનું કામ છે. આ હત્યા પાછળ કોઇ અન્ય નથી.