મુંબઇઃ ભારતીય જનતા પાર્ટી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિધાનસભામાં વિપક્ષ નેતા પસંદ કરવામાં આવ્યા છે. રવિવારે ઔપચારિક રીતે તેની જાહેરાત કરાઇ હતી. આ અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભામાં નાના પટોલેને સર્વસંમતિથી સ્પીકર પસંદ કરાયા હતા.


કોગ્રેસે રાજ્ય વિધાનસભા અધ્યક્ષ પદ માટે સતારૂઢ શિવસેના-કોગ્રેસ-એનસીપી ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટી ધારાસભ્ય પટોલેના નામની શનિવારે જાહેરાત કરી હતી. પટોલે વિદર્ભમાં સાકોલી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ભાજપે કથોરેને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમે વિધાનસભા સ્પીકર પદ માટે કિસાન કથોરેને ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ સર્વપક્ષીય બેઠકમાં અન્ય પક્ષોએ અમને વિનંતી કરી છે એ પરંપરા રહી છે કે સ્પીકરની વિરોધ વિના નિમણૂક થાય છે. એટલા માટે અમે અન્ય પક્ષોની વિનંતીનો સ્વીકાર કરી પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચ્યું છે.

મુખ્યમંત્રી ઠાકરેના નેતૃત્વની સરકારે શનિવારે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કર્યો છે. કુલ 288 સભ્યો ધરાવતી વિધાનસભામાં ઠાકરે સરકારને 169 ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.