હૈદરાબાદઃ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાના આરોપીઓના પરિવારોએ કહ્યુ હતુ કે તેમના  દીકરાઓને જો મોતની સજા આપવામાં આવે તો પણ તેઓ વિરોધ કરશે નહીં. એક આરોપીની માતાએ કહ્યું કે, જે રીતે પીડિતા સાથે તેમણે કર્યું છે તેવું જ આરોપીઓને જીવતા સળગાવી દેવા જોઇએ. નોંધનીય છે કે હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કારની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. રસ્તાથી લઇને સોશિયલ મીડિયા પર પીડિતા ડોક્ટરના હત્યારાઓને ફાંસીની સજાની માંગ ઉઠી રહી છે.


ચાર આરોપીઓમાંથી એક આરોપી સી કેશવુલુ નારાયણપેટ જિલ્લાના મકઠલ મંડલના ગુડીગાંડલા ગામનો નિવાસી છે. તેની માતા શ્યામલાએ કહ્યું કે, તેને ફાંસી આપી દો અથવા સળગાવી દો. હું ડોક્ટરના પરિવારનું દર્દ સમજું છું. મારી પણ એક દીકરી છે અને મને ખ્યાલ છે કે મહિલાનો પરિવાર કેવા દર્દથી પસાર થઇ રહ્યો છે. મારા દીકરાએ જઘન્ય ગુનો કર્યો છે એ જાણવા છતાં જો હું તેનો બચાવ કરું તો લોકો મને આખી જિંદગી નફરત કરશે.

શ્યામલાએ કહ્યું કે, ગુરુવારે સવારે જ્યારે પોલીસ તેના દીકરાની પૂછપરછ માટે લઇ ગઇ તો તેના પતિએ હતાશ થઇને ઘર છોડી દીધું છે. કેશવુલુના લગ્ન પાંચ મહિના અગાઉ થયા હતા. અમે તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરાવ્યા છે.

જોલૂં શિવા અને જોલૂ નવીન પણ ગુડીગાંડલાના રહેવાસી છે. મોહમ્મદ આરિફ નજીકના જકલૈર ગામનો રહેવાસી છે. આરિફની મા મૂલે બીને જ્યારે પત્રકારોએ વાત કરી તો તે તૂટી ગઇ હતી. આરિફ મહિલા ડોક્ટર પર રેપ અને હત્યા બાદ ઘરે આવ્યો હતો. મૂલે બીએ કહ્યું કે, તેણે મને કહ્યુ હતું કે, તેની ગાડીથી એક્સિડન્ટમાં  એક યુવતીનું મોત થઇ ગયું છે. તેના પિતા હુસૈને કહ્યું કે,  તેમને તેના ગુનાની કોઇ જાણ નહોતી. તે જે સજાને લાયક છે તે તેને મળવી જોઇએ.