ભોપાલઃ ભાજપે મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં શાનદાર દેખાવ કરીને 28 વિધાનસભા બેઠકોમાંથી 19 બેઠકો જીતી છે. તેના કારણે વર્તમાન શિવરાજસિંહ સરકાર ટકી ગઈ છે પણ શિવરાજ સરકારના પ્રધાન અને ભાજપનાં ઉમેદવાર ઇમરતી દેવી પેટાચૂંટણીમાં પરાજિત થતાં સન્નાટો છે. ઈમરતી દેવીની ડબરા બેઠક પર હાર થઈ છે. મજાની વાત એ છે કે, ઈમરતી દેવીને તેમના વેવાઈ સુરેશ રાજે જ હરાવ્યાં છે. ઈમરતી સળંગ ત્રણ વાર આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યાં હતાં અને છેલ્લી ચૂંટણીમાં તો તેમની જીત 50 હજાર કરતાં વઘદારે મતે થઈ હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ખાસ ગણાતાં ઈમરતી દેવી ભાજપમાં જોડાતાં જ હારી ગયાં હતાં.


રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે પોતાના કોંગ્રેસી ઉમેદવારના પ્રચારમાં ઇમરતી દેવીને આઇટમ કહીને મજાક ઊડાવી હતી. એ માટે ચૂંટણી પંચે કમલનાથને કારણદર્શક નોટિસ પણ મોકલી હતી.એ પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાંના ભૂતપૂર્વ વિપક્ષી નેતા અજય સિંઘે કહ્યું હતું કે, ત્રીજી નવેંબરે મતદારો ઇમરતી દેવીને જલેબી બનાવી દેશે. અજય સિંઘને પણ ચૂંટણી પંચે નોટિસ મોકલી હતી. ઇમરતી દેવીએ પણ સામે કમલનાથને ગાળો આપી હતી.

ઇમરતી દેવી સામે એમના જ વેવાઇ સુરેશ રાજે ઊભા હતા. ઈમરતી દેવીએ માર્ચ મહિનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેકો આપતાં કહ્યું હતું કે, સિંધિયા કૂવામાં પડે તો અમે પણ સાથે પડીશું. આ વફાદારી મતદારોને ગમી નતી અને ઇમરતી દેવી ચૂંટણી હારી ગયાં હતાં.