યુપીમાં અલાહાબાદમાં BJPની રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ, ઓક્ટોબરમાં થઈ શકે CM પદના ઉમેદવારની જાહેરાત
abpasmita.in | 12 Jun 2016 03:18 AM (IST)
અલાહાબાદ: મિશન યુપી માટે ભાજપની તેયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજથી અલાહાબાદમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પીએમ મોદી ચૂંટણીનો શંખનાદ ફૂંકશે. આ બેઠકમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં સીએમ પદના ઉમેદવારની જાહેરાત પાર્ટી ઓક્ટોબર મહિનામાં કરી શકે તેવી શક્યતા છે. સંગમ નગરી અલાહાબાદમાં જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કારોબારી બેઠક માટે પહોંચ્યા તો કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. અને બધે જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. અલાહાબાદના કેપી કોલેજ ગ્રાઉન્ડમાં આજથી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થશે. બે દિવસીય આ બેઠકનું ઉદ્ઘાટન રવિવારે સાંજે પાંચ વાગે પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ કરશે. અમિત શાહ કારોબારીમાં સંબોધન કરશે અને સોમવારે બપોરે ત્રણ વાગે પીએમ મોદી સમાપન ભાષણ કરશે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, કેંદ્ર સરકારમાં ભાજપના દરેક મંત્રી, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ ભાગ લેશે. આ બેઠકમાં ભાજપ ઉ.પ્રમાં આવતા વર્ષે થનારા વિધાનસભા ચૂંટણીનો એજંડા અને રણનીતિ તૈયાર કરશે. આ સાથે જ પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગોવા વિધાનસભાની ચૂંટણીની ચર્ચા પણ કરવામાં આવશે. સવારે 10 વાગ્યે પાર્ટી પદાધિકારીની બેઠક હોટલ કન્હા શ્યામમાં શરૂ થશે. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ભાગ લેશે. આ બેઠકમાં રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં મૂકવાના પ્રસ્તાવ પર ચર્ચા થશે. કોંગ્રેસે આજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના અલાહાબાદ મુલાકાતને પોલ ખોલ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર પોતાના ખોટા વચનોની પોલ ખોલવા માટે અલાહાબાદના દરેક 12 વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટીની બેઠક કરશે. જે ગત સામાન્ય ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂરા કરવામાં નિષ્ફળ ગઈ છે. તો કોંગ્રેસની વિદ્યાર્થી શાખા એનએસયુઆઈએ આજે બંધનું એલાન કર્યુ છે.