Tata Steel Plant Fire: ઝારખંડના જમશેદપુરથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં ટાટા સ્ટીલ પ્લાન્ટની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે અને ભયનો માહોલ છે. બ્લાસ્ટ બાદ પ્લાન્ટમાં આગ લાગી અને ગેસ લીક થયા બાદ કામદારોને તાત્કાલિક સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આગ એટલી ભીષણ હતી કે તેને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટના સવારે 10.20 વાગ્યે બની હોવાની વાત સામે આવી રહી છે. આ દુર્ઘટના આઈએમએમએમ કોક પ્લાન્ટના બેટરી નંબર 6 અને 7માં ઘટી હતી. આ દુર્ઘટનામાં બે કર્મચારી ઘાયલ થયા છે.
ઝેરી ગેસ લીક થતા લોકોને છાતીમાં બળતરા થવા લાગી
આ અંગે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ જણાવ્યું કે, સૌથી પહેલા એક જોરદાર અવાજ સંભળાયો અને ત્યાર બાદ છાતીમાં બળતરા થવા લાગી. એવું જાણવા મળ્યું કે ઝેરી ગેસ લીક થવાના કારણે કર્મચારીને છાતીમાં બળતરા થવા લાગી. તેમની સારવાર ટીએમએચ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આ ઘટનાની પુષ્ટી કરતા ટાટા કોર્પોરેશન કમ્યુનિકેશને કહ્યું, આ પ્રસંગે મેસર્સ એસજીબી કોન્ટ્રાક્ટ કંપનીના સાહિત્ય કુમાર કામ કરી રહ્યા હતા. તે કોક પ્લાન્ટમાં બૂસ્ટર લાઇન માટે મચાન બનાવવાનું કામ કરતા હતા. તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો, આ ઉપરાંત કેટલાક કણો હવામાં ઉડતા જોવા મળ્યા. જેના કારણે તેના જમણા પગના ઘૂંટણની નીચે ઈજા થઈ છે.
ટાટા તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું
કોર્પોરેટ કમ્યુનિકેશને વધુમાં જણાવ્યું કે, આ બ્લાસ્ટ ક્યા કારણે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. કોર્પોરેટ કમ્યુનિકેશન તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આજે સવારે 10.20 વાગ્યે જમશેદપુર સ્થિત કોક પ્લાન્ટમાં ધમાકો થયો હતો. જ્યાં હાલમાં બેટરી 6 કામ કરી રહી નથી અને તેને હટાવવાની પ્રક્રિયા ચારી રહી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે. આ દરમિયાન બે કર્મચારીઓને સામાન્ય ઈજા થઈ છે, જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.