મુંબઈમાં BMW કારની ભયાનક ટક્કર, 6 મહિનાની બાળકી સહિત 3ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Mar 2020 08:47 AM (IST)
આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા.
મુંબઈ: શુક્રવારે મુંબઈના વર્લી વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. મૃતકોમાં છ મહિનાની બાળકી પણ સામેલ છે. BMW કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. નમિતા ચાંદ નામની 39 વર્ષની મહિલા પોતાની BMW કાર ચલાવી રહી હતી. કારમાં ભાવના બથીજા(70 વર્ષ),જૂહી ગુરનાની (52 વર્ષ)અને 6 મહિનાની બાળકી નિષિકા સવાર હતા. નમિતાની કાર વર્લી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી આ દરમિયાન અબ્દૂલ ગફ્ફાર ખાન રોડ પર નમિતાએ કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર નમિતાને બાદ કરતા તમામના ઘટનાસ્થળે મોત થયા હતા. કારની એરબેગ ખુલી જવાના કારણે નમિતાને જીવતો બચી ગયો પરંતુ તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અકસ્માતમાં નમિતાની 6 મહિનાની દિકરી અને માતા ભાવના બથીજાનું મોત થયું છે. આ અકસ્માતમાં સંબંધી જૂહી ગુરનાનીનું પણ મોત થયું છે. નમિતાનો પરિવાર મુંબઈના અંધેરી વિસ્તારમાં રહે છે. મુંબઈની વર્લી પોલીસ સ્ટેશને હાલ એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટ દાખલ કરી છે અને તપાસ કરી રહ્યા છે.