નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનની ટોંક વિધાનસભા બેઠક પર છેલ્લી ઘડીએ પોતાનો ઉમેદવાર બદલતા યુનુસ ખાનને મેદાન પર ઉતાર્યા છે. આ બેઠક પર ખાનનો મુકાબલો કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ સામે થશે. બીજેપીએ સોમવારે જાહેર કરેલી પોતાની અંતિમ યાદીમાં યુનુસ ખાનનું નામ ટોંક બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યું હતું. પાર્ટીએ આ અગાઉ અહીંથી વર્તમાન ધારાસભ્ય અજીત સિંહ મહેતાને ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ કોગ્રેસે જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા ટોંક બેઠક પર પાયલટને ચૂંટણી લડાવવાની જાહેરાત કરતા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ અહી પોતાના ઉમેદવારને બદલીને યુનુસ ખાનને ઉતારી શકે છે.
વાસ્તવમાં વસુધરા રાજે સરકારમાં કદાવર મંત્રી રહેલા યુનુસ ખાન હાલમાં ડીડવાનાથી ધારાસભ્ય છે. પાર્ટીએ અત્યાર સુધી જાહેર કરેલી ત્રણ યાદીમાં તેમનું નામ સામેલ કર્યું નહોતું. પોતાની પાંચમી યાદીમાં પાર્ટીએ ટોંકથી મહેતાનું નામ પાછું લીધુ અને મહેતાને બદલે યુનુસ ખાનને ઉમેદવાર બનાવ્યા હતા. આ સાથે પાર્ટીએ કોટપૂતલીથી મુકેશ ગોયલ, બહરોડથી મોહિત યાદવ, કરોલીથી ઓપી સૈની, કેકડીથી રાજેન્દ્ર વિનાયક, ખીવસરથી રામચંદ્ર ઉત્તાથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યની 200 વિધાનસભા બેઠક માટે સાત ડિસેમ્બરના રોજ મતદાન થશે.