મુંબઇઃ એક્ટર અને બીજેપી નેતા રવિ કિશને સંસદના મૉનસૂન સત્રના પહેલા દિવસે બૉલીવુડમાં વધી રહેલા ડ્રગ્સના વપરાશ અને તસ્કરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આના પર હવે સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભા સાસંદ જયા બચ્ચને આપત્તિ દર્શાવી હતી. તેમને રાજ્યસભામાં ઝીરો અવર્સમાં નૉટિસ આપી, અને બૉલીવુડને બદનામ કરવાનો આરોપ લગાવ્યો. તેમને કોઇપણ વ્યક્તિનુ નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો મનોરંજન જગતને ગંદુ કરી રહ્યાં છે.

એક્ટ્રેસ અને મથુરાના બીજેપી સાંસદ હેમા માલિનીએ જયા બચ્ચનનું સમર્થન કર્યુ છે. તેમને ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાત કરતા કહ્યું કે, માત્ર બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં જ ડ્રગ્સનો ઉપયોગની વાત કેમ થઇ રહી છે? બીજી કેટલીય ઇન્ડસ્ટ્રી છે અને દુનિયાભરમાં બધે જ થાય છે. તેમને કહ્યુ કે, અમારી ઇન્ડસ્ટ્રીમાં આવુ થતુ હશે, પરંતુ આનો અર્થ એ નથી કે આખી ઇન્ડસ્ટ્રી ખરાબ છે. જે રીતે લોકો બૉલીવુડને નિશાન બનાવી રહ્યાં છે, તે ખુબજ ખોટુ છે, આ યોગ્ય નથી.



ખરેખરમાં, ગોરખપુરના સાંસદ રવિ કિશને સંસદના મૉનસૂન સત્ર પહેલા દિવસે દેશ અને બૉલીવુડમાં વધી રહેલા ડ્રગ્સના વપરાશ અને તસ્કરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને કહ્યું હતુ કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સની લત ખુબ વધી છે, કેટલાક લોકોને પકડી લેવામાં આવ્યા છે, એનસીબી ખુબ સારુ કામ કરી રહી છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરુ છુ કે તે આના પર કડક કાર્યવાહી કરે, દોષીઓને જલ્દીથી જલ્દી પકડે અને તેમને સજા આપે, જેનાથી પાડોશી દેશોના કાવતરાનો અંત આવી શકે.

આના જવાબમાં જયાએ રવિ કિશન પર આડકતરી રીતે નિશાન તાક્તુ હતુ. જયા બચ્ચને રવિ કિશનનુ નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો જે થાળીમાં ખાય છે, તે થાળીમાં છેદ કરે છે.