લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ચાલુ વર્ષે પંચાયતની ચૂંટણી નહીં યોજાય. ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી હવે 2021માં યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે મતદાર યાદીની ફરી ચકાસણીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.


જે મુજબ રાજ્યમાં 1 ઓક્ટોબરથી મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ શરૂ થશે. જેમાં બીએલઓ ઘરે-ઘરે જઈને સર્વે કરશે અને તેનું અંતિમ લિસ્ટ 29 ડિસેમ્બર, 2020ના રોજ બહાર પાડવામાં આવશે. જેથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં ચાલુ વર્ષે પંચાયત ચૂંટણી નહીં યોજાય. ફાઇનલ યાદી તૈયાર થયા બાદ બીજી બધી પ્રક્રિયામાં પણ બે મહિના જેટલો સમય લાગે છે.

તેથી ફેબ્રુઆરી 2021 સુધી તેની પ્રક્રિયા શરૂ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. કારણકે આ સમયે પરીક્ષા પણ ચાલતી હોય છે. આ સ્થિતિમાં પંચાયત ચૂંટણી મે-જૂનમાં થાય તેવી શક્યતા છે.

રાજ્યમાં હાલ 58,758 ગ્રામ પંચાયત છે. 821 તાલુક પંચાયત અને 75 જિલ્લા પંચાયત છે. રાજ્ય ચૂંટણી પંચે પંચાયતમાં લોકો ઓનલાઇન અરજી કરીને મતદાન કરી શકે તેવી પ્રથમ વખત વ્યવસ્થા કરી છે. ઓનલાઈન અરજી 1 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે શકાશે.