મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કેટલાક રૂટ્સ પર મુસાફરોની ભારે માંગના કારણે 20 જોડી (40 ટ્રેન) ક્લોન સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન નોટિફાઈડ ટાઈમિંગ પર ચાલશે અને પૂરી રીતે રિઝર્વ હશે. તેના સ્ટોપ મર્યાદીત હશે. ઉપરાંત 10 દિવસ પહેલા જ ટ્રેનોનું રિઝર્વેશન મળવાનું શરૂ થશે. ગુજરાતમાંથી અમદાવાદ-દરભંગા, અમદાવાદ-દિલ્હી, સુરત-છાપરા, અમદવાદ-પટના એમ 4 રૂટ પર 8 ક્લોન ટ્રેન દોડશે.
મંત્રાલયના કહેવા મુજબ, ભારતીય રેલવેના ઈતિહાસમાં કયારેય ક્લોન ટ્રેન દોડાવવામાં આવી નથી. આ ટ્રેન મુખ્યત્વે એસી ટ્રેન હશે. ક્લોન ટ્રેનો ચલાવવાને લઈ મુસાફરોમાં મોટા પાયે પ્રચાર કરવામાં આવશે. આ ટ્રેન પહેલાથી ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનોની તુલનામાં વધારે સ્પીડથી દોડશે.
મંત્રાલયના કહેવા મુજબ, 20માંથી 19 જોડી ક્લોન ટ્રેનોનું ભાડું હમસફર એક્સપ્રેસ જેટલું હશે. જ્યારે લખનઉ-દિલ્હી ક્લોન સ્પેશિયલનું ભાડું જન શતાબ્દિ એક્સપ્રેસ જેટલું હશે. આ ઉપરાંત આ ટ્રેનોના સંચાલન માટે હમસફર અને જનશતાબ્દી ટ્રેનોનો જ ઉપયોગ કરાશે.