Bomb Threat to Indigo Airlines: ચેન્નઈથી મુંબઈ જઈ રહેલા ઈન્ડિગો પ્લેનમાં મંગળવારે રાત્રે 10:24 કલાકે બોમ્બની ધમકી મળી હતી. આ પછી પ્લેનનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. લેન્ડિંગ પછી એરક્રાફ્ટને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું, જ્યાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના કર્મચારીઓ દ્વારા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. આ વિમાન (6E 5149)માં 196 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર સવાર હતા.






કંપનીએ કહ્યું- તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા


આ ઘટના અંગે ઈન્ડિગો એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. મુસાફરોને ઉતાર્યા બાદ સુરક્ષા એજન્સીઓને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ વિમાનને પરત મોકલવામાં આવ્યું હતું.






41 એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી


મંગળવારે (19 જૂન 2024) CSMIA સહિત દેશભરના 41 એરપોર્ટ પર બોમ્બની ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ મળ્યા હતા. જોકે આ તમામ ધમકીઓ પોકળ સાબિત થઈ હતી. પીટીઆઈએ મુંબઈ એરપોર્ટના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ ધમકીઓની હવાઈ સેવાઓ પર કોઈ અસર થઈ નથી.






દરેક એરપોર્ટ પર સમાન ધમકીભર્યા મેસેજ મળ્યા હતા


તમામ એરપોર્ટને મળેલા ઈમેઇલમાં લગભગ આવો જ મેસેજ લખવામાં આવ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, એરપોર્ટમાં વિસ્ફોટકો છૂપાવવામાં આવ્યા છે. બોમ્બ જલ્દી ફૂટશે. તમે બધા મરી જશો." આ ખોટા ધમકીભર્યા ઈમેઇલ પાછળ "KNR" નામનું ઓનલાઈન ગ્રુપ હોવાની શંકા છે.


અકાસા એરને 3 જૂને બોમ્બની ધમકી મળી હતી


આ પહેલા 3 જૂને દિલ્હી-મુંબઈ વચ્ચે ઉડતી અકાસા એરની ફ્લાઈટને પણ બોમ્બની ધમકી મળી હતી. જે બાદ તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. 2 જૂને, પેરિસ-મુંબઈ રૂટ પર કાર્યરત વિસ્તારાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેના પગલે તેના આગમન પહેલા મુંબઈ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. 1 જૂને ચેન્નઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને પણ બોમ્બની ધમકી મળી હતી. તે સમયે તે વિમાનમાં 172 મુસાફરો સવાર હતા. ધમકી બાદ પ્લેનનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.


હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી નકલી નીકળી


મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં મુંબઈની લગભગ 60 હોસ્પિટલોને પણ બોમ્બની ધમકી મળી છે. જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "ઈમેઇલ મળ્યા બાદ હોસ્પિટલોએ તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઈમેઇલમાં કહેવામાં આવ્યું હતું કે બોમ્બ પથારીની નીચે અને શૌચાલયોમાં રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલોમાં તાત્કાલિક તપાસ કરાઇ હતી પરંતુ કાંઇ હાથ લાગ્યું નહોતું.