આ મામલામાં દરગાહ ટ્રસ્ટનું કહેવું છે કે તેઓ બોમ્બે હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે. નોંધનીય છે કે હાજી અલી ટ્રસ્ટ મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યું છે. ટ્રસ્ટનું કહેવું છે કે મહિલાઓનું મુસ્લિમ ધર્મગુરુઓની કબર નજીક જવું ઘોર પાપ છે. સાથે ટ્રસ્ટે જણાવ્યું હતું કે, કબર નજીક હંમેશા ખૂબ ભીડ હોય છે એવામાં મહિલાઓ ત્યાં સુરક્ષિત નથી. જેને કારણે હંમેશાથી તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ નિર્ણય બાદ દરગાહમાં મહિલાઓના પ્રવેશની લડાઇ મામલે ચર્ચામાં રહેનારી ભૂમાતા બ્રિગેડની તુપ્તિ દેસાઇએ જણાવ્યુ હતું કે, આ દેશની તમામ મહિલાઓની જીત છે. આ નિર્ણય માટે હાઇકોર્ટનો આભાર માનું છું. તેણે કહ્યું કે તે રવિવારે સવારે દરગાહમાં સમ્માનપૂર્વક પ્રવેશ કરશે.
મહિલા મુસ્લિમ પર્સનલ બોર્ડના અધ્યક્ષ સાઇશ્તા અંબરે બોમ્બે હાઇકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યુ હતું અને કહ્યુ હતું કે, આ એક જરૂરી અને મહત્વનો નિર્ણય છે. હાઇકોર્ટનો નિર્ણય મહિલાઓના હકમાં છે. નોંધનીય છે કે વર્ષ 2012 સુધી હાજી અલી દરગાહમાં મહિલાઓને પ્રવેશનની મંજૂરી હતી. આ પ્રતિબંધને લઇને મુસ્લિમ મહિલાઓએ પ્રદર્શન કર્યુ હતું.