મુંબઇઃબોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના મુંબઇ સ્થિત ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ ઓફિસને બીએમસીએ કથિત રીતે બિનકાયદેસર નિર્માણને તોડી દીધું છે. આ વચ્ચે બોમ્બે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં ચુકાદો કંગનાના પક્ષમાં આવ્યો છે. હાઇકોર્ટે બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. આ રોક ગુરુવાર બપોરે 3 વાગ્યા સુધી લગાવવામાં આવી છે. જોકે, બીએમસીએ આ અગાઉ પોતાની કાર્યવાહી પુરી કરી લીધી હતી.



બોમ્બે હાઇકોર્ટે આ મામલામાં આવતીકાલે ફરી સુનાવણી કરશે. હાઇકોર્ટે કંગનાની ઓફિસમાં બિનકાયદેસર નિર્માણ તોડવામાં ઉતાવળ કરવા માટે બીએમસી પાસે જવાબ માંગ્યો છે. આવતીકાલે બીએમસીએ તેનો જવાબ આપવો પડશે.

નોંધનીય છે કે કોરોના મહામારીને જોતા બોમ્બે હાઇકોર્ટે 26 માર્ચ 2020ના રોજ એક આદેશ જાહેર કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર બીએમસી અને તમામ સંબંધિત વિભાગ કોઇ પણ વિરુદ્ધ કોઇ વિરોધાત્મક કાર્યવાહી ઉતાવળમાં ના કરે. કારણ કે જો કોઇ વ્યક્તિને કોર્ટમાં અપીલ કરવી હોય તો કરી શકે. 26 માર્ચના રોજ આ આદેશ પર હાઇકોર્ટે 31 ઓગસ્ટના રોજ સુનાવણી કરી હતી અને તેને 30 સપ્ટેમ્બર સુધી વધાર્યો હતો.