Bombay high court: બોમ્બે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપતા કહ્યું છે કે સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય છે અને કાયદા હેઠળ આવા કૃત્યને સ્વીકારી શકાય નહીં. હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક એવા વ્યક્તિની 10 વર્ષની સજાને યથાવત રાખતી વખતે આ ટિપ્પણી કરી જેની સામે તેની પત્નીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
જસ્ટિસ જીએ સનપની બેન્ચે કહ્યું હતું કે, "એ જણાવવું જરૂરી છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે શારીરિક સંબંધ બળાત્કાર છે, પછી ભલે તે પરિણીત હોય કે ન હોય."
હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "જ્યારે કથિત રીતે પત્ની બનાવવામાં આવેલી પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી છે તો તેની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવો એ બચાવનો એક રસ્તો નથી." ખંડપીઠે ટ્રાયલ કોર્ટ દ્ધારા આરોપીને ફટકારેલી 10 વર્ષની સખત કેદની સજાને યથાવત રાખી હતી. મળતી માહિતી મુજબ, આ વ્યક્તિએ ફરિયાદ કરનાર યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો, જે બાદ તે ગર્ભવતી બની હતી. બાદમાં તેણે તેની સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેમના વૈવાહિક સંબંધો ખરાબ થયા અને પછી યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
હાઈકોર્ટે કહ્યું હતું કે, "જો તર્ક માટે માની લેવામાં પણ આવે કે તેમની વચ્ચે કથિત લગ્ન થયા હતા તો પણ પીડિતા દ્ધારા લગાવવામાં આવેલા આરોપોને ધ્યાનમાં રાખીને તે તેની સહમતિ વિના બંધાયેલા જાતીય સંબંધ હતા તો તે બળાત્કાર સમાન ગણાય.
આ કપલ ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતું
પીડિતા મહારાષ્ટ્રના વર્ધામાં રહેતી હતી અને આરોપી વ્યક્તિ તેનો પાડોશી હતો. પીડિતા તેના પિતા, બહેનો અને દાદી સાથે રહેતી હતી. 2019ની ફરિયાદ પહેલા આરોપી અને પીડિતા 3-4 વર્ષ સુધી પ્રેમસંબંધમાં હતા. જો કે, પીડિતાએ વારંવાર શારીરિક સંબંધો બાંધવાની આરોપીની માંગણીને નકારી કાઢી હતી.
પીડિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપો અનુસાર, શરૂઆતમાં આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને કેટલાક પડોશીઓની હાજરીમાં ભાડાના રૂમમાં 'નકલી લગ્ન' સમારોહનું આયોજન કર્યું હતું. જો કે, તેના પ્રત્યે તેનું વર્તન અપમાનજનક બન્યું, જેમાં શારીરિક હુમલાઓ અને ગર્ભપાત કરાવવાનું દબાણ સામેલ હતું. બાદમાં આરોપીએ યુવતી પર તેમનું બાળક અન્ય પુરુષનું હોવાનો આરોપ લગાવ્યો હતો.
આરોપીએ પોતાની અરજીમાં શું કહ્યું?
પીડિતાએ મે 2019માં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેના બચાવમાં આરોપીએ દાવો કર્યો હતો કે શારીરિક સંબંધો સહમતિથી બંધાયા હતા અને પીડિતા તેની પત્ની હતી. જો કે, જસ્ટિસ સનપે કહ્યું, "મારા મતે આ દલીલ એક કરતાં વધુ કારણોસર સ્વીકારી શકાય નહીં. આ કેસમાં ફરિયાદ પક્ષે સાબિત કર્યું છે કે ગુનાની તારીખે પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી હતી." ખંડપીઠે કહ્યું કે ડીએનએ રિપોર્ટથી પુષ્ટી થઈ છે કે આરોપી અને પીડિતા આ સંબંધમાંથી જન્મેલા બાળકના જૈવિક માતા-પિતા છે.