Delhi : કોરોના રસીકરણ અભિયાનમાં દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે. હવે દિલ્લીના સરકારી રસીકરણ કેન્દ્રો પર 18 થી 59 વર્ષ સુધીના નાગરિકોને કોરોના વિરોધી રસીનો બૂસ્ટર ડોઝ વિનામુલ્યે આપવામાં આવશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોના વાયરસની રસીનો ત્રીજો  એટલે કે બુસ્ટર ડોઝ મળવા લાગ્યો  છે. દિલ્લી સરકારના પરિવાર કલ્યાણ વિભાગે આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને આ જાહેરાત કરી છે. 






આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી સરકારે કહ્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં લોકોને ટૂંક સમયમાં કોરોનાવાયરસ રસીના મફત સાવચેતી ડોઝ આપવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણના કેસોમાં અચાનક ઉછાળો આવતાં સરકારનું આ પગલું સામે આવ્યું છે.


તાજેતરમાં કેન્દ્ર સરકારે ખાનગી કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોવિડ-19 રસીની સાવચેતીભરી માત્રા પણ રજૂ કરી છે. કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ, જેમણે બીજો ડોઝ લેવાના નવ મહિના પૂર્ણ કર્યા છે તેઓ બૂસ્ટર ડોઝ માટે પાત્ર છે.


દેશમાં ફરી એકવાર કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી સહિત ઘણા રાજ્યોમાં ચેપનો દર વધ્યો છે. કોરોનાના કેસ વધ્યા બાદ ફરી એકવાર ઘણા શહેરોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.


20 એપ્રિલને બુધવારે  રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસના 1,009 કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. હવે દિલ્હીમાં પણ સકારાત્મકતા દર વધીને 5.70% થઈ ગયો છે અને સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 2,641 થઈ ગઈ છે.