નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઈને કોગ્રેસે મોટો નિર્ણય લીધો છે. સૂત્રના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને નેતા પ્રિયંકા ગાંધી ગાંધી લોકસભાની ચૂંટણી લડશે નહીં. સોનિયા ગાંધીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  સોનિયા ગાંધીની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.


બીજી તરફ સોનિયા ગાંધી 2024માં ગાંધી પરિવારની પરંપરાગત રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રિયંકા ગાંધી 2024ની લોકસભા ચૂંટણી લડશે નહી પરંતુ તેમને હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીએ એક બેઠક પર ચૂંટણી લડવાને બદલે આખા દેશમાં પાર્ટી અને યુપીએ ગઠબંધન માટે પ્રચાર કરવો જોઈએ. પાર્ટીના નેતાઓએ કહ્યું કે પ્રિયંકાએ પ્રચાર માટે માત્ર ઉત્તર પ્રદેશ સુધી મર્યાદિત રહેવું જોઈએ નહી પરંતુ આખા દેશમાં પ્રચાર કરવો જોઇએ.




શું પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનશે?


વિવિધ રાજ્યોના ઘણા રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપી દીધું છે અને અન્ય રાજ્યો સાથે જોડાયેલા નેતાઓને આ પ્રકારની વાત કરવામાં આવી છે. આમાંથી એક રાજ્યસભા સાંસદે નામ ન આપવાની શરતે આ વાતની પુષ્ટી કરી હતી કે પાર્ટીના મોટાભાગના નેતાઓનું માનવું છે કે પ્રિયંકા ગાંધી મોટા સ્ટાર પ્રચારક બની શકે છે, તેથી તેમણે લોકસભાની ચૂંટણી ન લડવી જોઈએ.


જોકે, કેટલાક નેતાઓનું માનવું હતું કે લોકસભાની ચૂંટણી લડવાથી પ્રિયંકા એક મોટા ચહેરા તરીકે ઉભરી આવશે. મોટાભાગના નેતાઓ એવું પણ માને છે કે કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં કોઈને પણ પીએમ ચહેરા તરીકે આગળ કરવા જોઇએ નહીં જેનાથી સાથી પક્ષો વધુ આત્મવિશ્વાસ સાથે યુપીએ ગઠબંધનમાં જોડાઈ શકે.


અમેઠીથી કોણ લડશે ચૂંટણી?


કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ વખતે નહેરુ-ગાંધી પરિવારનો કોઈ પણ સભ્ય અમેઠી બેઠક પરથી લોકસભાની ચૂંટણી નહીં લડે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિવાર અને કોંગ્રેસ પાર્ટીને હવે અમેઠી બેઠકમાં રસ નથી. મહાગઠબંધનની સ્થિતિમાં કોંગ્રેસ અમેઠીની બેઠક પર દાવો કરશે નહીં. મહાગઠબંધન થાય તો કોંગ્રેસ આ બેઠક સાથી પક્ષો માટે છોડી દે તેવી પ્રબળ સંભાવના છે. જ્યારે સોનિયા ગાંધીના ચૂંટણી લડવા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો સોનિયા આ વખતે ચૂંટણી નહીં લડે તો પણ રાયબરેલીથી કોંગ્રેસનો જ કોઇ ઉમેદવાર જ ચૂંટણી લડશે.