Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ ચોતરફ મૃતદેહોના ઢગ જા મ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માત એટલો મોટો હતો કે બાલાસોરમાં મૃતદેહો રાખવા માટે શબઘર ઓછા પડ્યા હતા, જેના કારણે મૃતદેહોને અલગ-અલગ જગ્યાએ રાખવાની ફરજ પડી હતી. 65 વર્ષ જૂની સ્કૂલમાં કફનમાં લપેટાયેલા મૃતદેહો રાખવામાં આવ્યા હતા. દુર્ઘટનાના થોડા દિવસો સુધી આ મૃતદેહોને શાળાના મકાનમાં રાખવામાં આવ્યા હતા. હવે સમાચાર સામે આવ્યા છે કે આ શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ સરકારને નવી ઇમારત બનાવવાની અપીલ કરી છે અને ત્યાં સુધી તેઓ શાળામાં આવવા તૈયાર નથી. શાળામાં મૃતદેહ રાખવામાં આવતા આ વિદ્યાર્થીઓ ભયમાં છે.


ધાર્મિક વિધિનું આયોજન


ઓડિશાની બહાનાગા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ તેમના વર્ગોમાં પાછા ફરતા ડરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (એસએમસી) એ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તે ખૂબ જ જૂની હોવાથી તેને તોડી પાડવામાં આવે. "વિદ્યાર્થીઓ ભયભીત છે,બહાનાગા હાઈસ્કૂલના આચાર્ય પ્રમિલા સ્વૈને કહ્યું કે તેમણે શાળાએ "ધાર્મિક કાર્યક્રમ યોજવાની અને કેટલીક ધાર્મિક વિધિઓ કરવાની યોજના બનાવી છે."


તેમણે વધુમાં કહ્યું કે શાળાના કેટલાક વરિષ્ઠ વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. બાલાસોર જિલ્લા મેજિસ્ટ્રેટ દત્તાત્રય ભાઈસાહેબ શિંદે જેમણે શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગની સૂચનાઓ પર ગુરુવાર, 8 જૂને શાળાની મુલાકાત લીધી હતી, તેમણે જણાવ્યું હતું કે, “હું શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્ય, અન્ય સ્ટાફ અને સ્થાનિક લોકોને મળ્યો છું. તેઓ જૂની ઈમારતને તોડીને તેનું નવીનીકરણ કરવા ઈચ્છે છે જેથી બાળકોને ક્લાસમાં જવામાં કોઈ ડર કે આશંકા ન રહે.


મૃતદેહને રાખ્યા બાદ વિદ્યાર્થીઓમાં ડર


એસએમસીના એક સભ્યએ જિલ્લા મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે ટેલિવિઝન ચેનલો પર શાળાની ઇમારતમાં પડેલા મૃતદેહોને જોયા પછી, "બાળકોમાં ડર છે અને 16 જૂને જ્યારે શાળા ફરીથી ખુલશે ત્યારે આવવા માટે ડર અનુભવે છે" શાળા પરિસરમાં સેનિટાઇઝ કરવામાં આવ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ડરી રહ્યા છે. એક વિદ્યાર્થીએ કહ્યું, “અમારી શાળાની બિલ્ડીંગમાં આટલા બધા મૃતદેહો રાખવામાં આવ્યા હતા તે ભૂલી જવું મુશ્કેલ છે.” એસએમસીએ શરૂઆતમાં માત્ર ત્રણ વર્ગખંડમાં જ મૃતદેહો રાખવાની મંજૂરી આપી હતી. બાદમાં જિલ્લા પ્રશાસને મૃતદેહોને ઓળખ માટે રાખવા માટે શાળાના હોલનો ઉપયોગ કર્યો હતો.


સરકારને દરખાસ્ત કરવામાં આવી


કેટલાક વાલીઓ તેમના બાળકોને બહનગા વિદ્યાલયમાં મોકલવાને બદલે શાળા બદલવાનું પણ વિચારી રહ્યા છે. આ દરમિયાન બાલાસોર જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) બિષ્ણુ ચરણ સુતારે વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ નકારાત્મક વિચારોને પ્રોત્સાહન ન આપવા માટે પ્રોત્સાહિત કરવા બુધવારે SMC અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું, "અમે ખાતરી કરીશું કે આના કારણે કોઈ વિદ્યાર્થી શાળા છોડે નહીં." ડીઇઓએ કહ્યું કે શાળા અને સ્થાનિક લોકોએ ટ્રેન અકસ્માત દરમિયાન બચાવ અને રાહત કામગીરીમાં ઘણું યોગદાન આપ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે તેમણે એસએમસીને બિલ્ડિંગને તોડી પાડવા સંબંધિત તેમની માંગ વિશે એક ઠરાવ પસાર કરવા અને તેને સરકારને સોંપવાની માંગ કરી છે.