BSNL Data Leaked: સરકારની માલિકીની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ તાજેતરમાં મોટા ડેટા લીકનો શિકાર બની હતી. હવે સરકારે પણ આ ડેટા લીકનો સ્વીકાર કર્યો છે. ભારત સરકારે પુષ્ટી કરી છે કે આ વર્ષના મે મહિનામાં BSNLના લાખો ગ્રાહકોનો ડેટા લીક થયો છે. આ સાથે લોકોની અંગત માહિતી લીક થવાનું જોખમ પણ વધી ગયું છે.


વાસ્તવમાં આ વર્ષે મે મહિનામાં હેકર્સે BSNLની સિસ્ટમ તોડીને લાખો ગ્રાહકોના ડેટાની ચોરી કરી હતી. આ ડેટામાં સબસ્ક્રાઈબર્સના નામ, સરનામા, ફોન નંબર અને અન્ય અંગત માહિતી સામેલ હોવાનું બહાર આવ્યું હતું. ખતરો એ છે કે ચોરી થયેલ ડેટાનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડી, ઓળખની ચોરી અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. શરૂઆતમાં ડેટા લીકને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું ન હતું પરંતુ હવે સરકારે તેની માહિતી આપી છે.


સરકાર હવે શું પગલાં લઈ રહી છે?


સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. લોકોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય સબ્સ્ક્રાઇબર્સને તેમના ઓનલાઈન પાસવર્ડ તાત્કાલિક બદલવાની પણ સલાહ આપવામાં આવી છે. લોકોને અજાણ્યા નંબરોથી આવતા કોલ વિશે પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ડેટા સુરક્ષાને લઈને પણ યોગ્ય પગલાં લેવાની જરૂર છે. લીક થયેલા ડેટાની મદદથી હેકર્સ યુઝર્સને પોતાનો શિકાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં જો તમારી સાથે કોઈ શંકાસ્પદ લેવડદેવડ થાય છે તો તરત જ બેન્કનો સંપર્ક કરો અને સાવચેત રહો.


 છેલ્લા 10 વર્ષમાં દેશમાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. સંસદમાં પૂછાયેલા સવાલનો સરકારે જવાબ આપ્યો છે. સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. પેમ્માસાની ચંદ્ર શેખરે સંસદમાં આ અંગે નિવેદન આપ્યું છે.


લોકસભાના સભ્યો કૃષ્ણ પ્રસાદ ટેનેટી અને વાય.એસ. અવિનાશ રેડ્ડીએ સરકારને પૂછ્યું કે છેલ્લા એક દાયકામાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યા કેટલી વધી છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ અને બ્રોડબેન્ડની પહોંચમાં કેટલો વધારો થયો છે? લોકસભાના સભ્યએ એમ પણ પૂછ્યું કે આ ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) કેટલું વધ્યું છે.