Madras High Court: મદ્રાસ હાઈકોર્ટે એક અરજીકર્તા તરફથી તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં વેશ્યાગૃહ શરૂ કરવા માટે સુરક્ષાની માંગણી કરતી અરજી દાખલ કરવા પર આશ્વર્ય વ્યક્ત કર્યું હતું. અરજદારે પોતાને વકીલ ગણાવ્યો હતો. વકીલે આ અરજી દાખલ કરીને તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી.


લાઇવ લૉના એક રિપોર્ટ અનુસાર, જસ્ટિસ બી પુગલેંધીની ખંડપીઠે પુખ્તવયના સહમતિથી શારીરિક સંબંધ બાંધે તેવા અધિકારોના આધાર પર અરજીકર્તા તરફથી પોતાના કાર્યોનો બચાવ કરવા પર અસહમતિ વ્યક્ત કરી હતી. આ સાથે હાઈકોર્ટે બાર કાઉન્સિલને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે માત્ર નામાંકિત લો કોલેજોના સ્નાતકો જ એડવોકેટ તરીકે નામાંકિત કરવામાં આવે.


'બિન પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી નોંધણી પર લાગે પ્રતિબંધ'


મદ્રાસ હાઈકોર્ટે વકીલની અરજીને ફગાવી દીધી અને તેના પર 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. લાઇવ લો અનુસાર, બેન્ચે કહ્યું હતું કે , "હવે સમય આવી ગયો છે કે બાર કાઉન્સિલને સમજવું પડશે કે સમાજમાં વકીલોની પ્રતિષ્ઠા ઘટી રહી છે. ઓછામાં ઓછું આ પછી બાર કાઉન્સિલ એ સુનિશ્ચિત કરશે કે સભ્યોનું નામાંકન માત્ર પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી જ કરવામાં આવે અને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને અન્ય રાજ્યોની બિન-પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી નામાંકન પર પ્રતિબંધ લગાવવામાં આવે.


કોર્ટ એડવોકેટ રાજા મુરુગન દ્વારા દાખલ કરાયેલી બે અરજીઓની સુનાવણી કરી રહી હતી. આમાં તેમણે તેમની સામે નોંધાયેલ એફઆઈઆર રદ કરવાની અને પોતાની વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પોલીસની દખલગીરી રોકવા માટે આદેશ જાહેર કરવાની માંગ કરી હતી.


વેશ્યાગૃહ શરૂ કરવાની માંગણી માટે હાઈકોર્ટમાં અરજી


મુરુગને કોર્ટ સમક્ષ ખુલાસો કર્યો કે તે એક ટ્રસ્ટ ચલાવે છે, જે પુખ્ત વયના લોકો વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ, કાઉન્સિલિંગ અને 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે થેરાપ્યુટિક ઓઈલ બાથ જેવી સેવાઓ પૂરી પાડે છે.


અરજીઓના જવાબમાં હાઈકોર્ટે કહ્યું કે મુરુગને બુદ્ધદેવ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ખોટું અર્થઘટન કર્યું છે. હાઈકોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે બુદ્ધદેવ મામલાને તસ્કરીને રોકવા અને સેક્સ વર્કરોના પુનર્વસનની ખાતરી કરવા માટે બુદ્ધદેવ કેસને સંબોધિત કર્યો હતો. તેનાથી વિપરીત મુરુગને એક સગીર છોકરીનું શોષણ કર્યું અને તેની ગરીબીનો ફાયદો ઉઠાવ્યો હતો.


હાઈકોર્ટે કાયદાની ડિગ્રી તપાસવાનો આદેશ આપ્યો


અરજીથી ગુસ્સે થઈને કોર્ટે આદેશ આપ્યો હતો કે મુરુગન પોતાનું કાયદાકીય શિક્ષણ અને બાર એસોસિએશનના સભ્યપદની ચકાસણી કરવા માટે તેમના નામાંકન પત્રો અને કાયદાની ડિગ્રી રજૂ કરવાની પણ માંગ કરી હતી.


એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર (એપીપી) એ કોર્ટને જણાવ્યું હતું કે "મુરુગન બી.ટેક ગ્રેજ્યુએટ છે અને તેની પાસે  એનરોલમેન્ટ નંબર સાથે બાર કાઉન્સિલની ઓળખ છે. જો કે, તે ચકાસવામાં અસમર્થ છે કે તેણે કાયદાનો અભ્યાસ પણ કર્યો છે."