બેંગલુરુઃ કર્ણાટકમાં સોમવારે રાજ્યના નવા મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરશે. જેને લઇને પોલીસ અને વહીવટીતંત્રએ કમર કસી લીધી છે. 29 જૂલાઇની સવારે છ વાગ્યાથી લઇને 30 જૂલાઇની મધ્યરાત્રી સુધી વિધાનસભાની આસપાસ કલમ 144 લાગી રહેશે.
બેંગલુરુ પોલીસ કમિશનર આલોક કુમારે કહ્યું કે, આ દરમિયાન વિધાનસભાના બે કિલોમીટરના વિસ્તારમાં પાંચથી વધુ વ્યક્તિઓનું જૂથ એક સાથે ઉભું રહી નહી શકે. સોમવારે ચોથી વખત મુખ્યમંત્રી બનેલા યેદિયુરપ્પા સામે ફ્લોર ટેસ્ટ પાસ કરાવવાનો પડકાર રહેશે. નોંધનીય છે કે રાજ્યપાલે મુખ્યમંત્રી યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 31 જૂલાઇ સુધીનો સમય આપ્યો છે. શુક્રવારે શપથગ્રહણ બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે, તે સોમવારે સવારે 10 વાગ્યે વિધાનસભામાં બહુમત સાબિત કરશે અને નાણાકીય બિલને પાસ કરશે.
યેદિયુરપ્પાએ વિધાનસભામાં તમામ સભ્યોએ ઉપસ્થિત રહેવા અને મત આપવાની સ્થિતિમાં 112 ધારાસભ્યોના સમર્થનની આવશ્યકતા રહેશે. એવામાં જરૂરી છે કે બળવાખોર ધારાસભ્યો સરકારના સમર્થનમાં મત આપે અથવા વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ ના લે. એવામાં વિધાનસભાના સંખ્યાબળ ઓછું થઇ જશે અને યેદિયુરપ્પા બહુમત સાબિત કરી લેશે.