નવી દિલ્હીઃ કેન્દ્રના નવા કૃષિ કાયદાની વિરૂદ્ધમાં દિલ્હીમાં ખેડૂતો છેલ્લા બે મહિનાથી આંદોલન કરી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં એક પછી એક મોટી જાહેરાત કરી છે. ખેડૂતો આંદોલનને જોતા આશા હતી કે સરકાર આ મામલે ખેડૂતો માટે પૂરો ખજાનો ખોલી દશે, પરંતુ એવું થયું નહીં. વિતેલા વર્ષની તુલનામાં આ વર્ષે કૃષિ બજેટમાં માત્ર બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે.


બજેટમાં ખેતી-ખેડૂતો માટે 2% વધારો

વર્ષ 2019-20માં કૃષિ ક્ષેત્ર માટે 1.12 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે 2021-21માં કુલ 1.45 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તેને વર્ષ 2021-22 માટે માત્ર વધારીને 1.48 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જોકે બજેટમાં સરકારનો ભાર ખેતી સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પર રહ્યો છે.

બજેટમાં ખેડૂતો માટે શું છે?

- સરકારે વર્ષ 2021-22 માટે ખેતી લોન 15 લાખ કરોડથી વધારીને 16.5 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.
- પશુપાલન, ડેરી અને માછલી પાલન કરનારા ખેડૂતોને વધારે લોન આપવામાં આવશે.
- કૃષિ પ્રોડક્ટની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઓપરેશન ગ્રીન સ્કીમનો વ્યાપ વધારવામાં આવશે.
- સ્કીમ દ્વારા પહેલા ટામેટા, બટાટા અને ડૂંગળીની ખરીદી થતી હતી, પરંતુ હવે ટૂંકમાં જ ખરાબ થનાર 22 નવી પ્રોડક્ટને તેમાં સામેલ કરવાની યોજના છે.
- એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સુધી એપીએમસીની પણ પહોંચ હશે.
- કોચ્ચિ, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, પારદીપ અને પેટુઆઘાટ જેવા શહેરમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનશે.
- દેશના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કૃષિ પ્રોડક્ટની આયાત પર ટેક્સ વધારવામાં આવ્યો છે.
- 1000 વધુ એપીએમસીને ડિજિટલ વેપાર સાથે જોડશે સરકાર.

હાલમાં 1.68 કરોડ ખેડૂત E-NAM ડિજિટલ પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ છે અને લગભગ 1.14 લાક કરોડનો વેપાર થયો છે, જેને વધારવાનો ટાર્ગેટ છે. ઉપરાંત ગામડા અને અંતરિયાળ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલમેન્ટ ફંડને 30 હજાર કરોડથી વધારીને 40 હજાર કરોડ કરવામાં આવ્યું છે.

આ બજેટમાં MSP પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે અને APMCને સશક્ત બનાવવાની દૃષ્ટિથી પણ સરકારે ધ્યાન રાખ્યું છે. બજેટમાં સરકારે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે સરકાર ખેડૂતો સાથે છે, પરંતુ એક સત્ય એ પણ છે કે આ સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટું અને લાંબું વિરોધ આંદોલન પણ ખેડૂતો સંગઠનો જ કરી રહ્યા છે. બીજી બાજુ ખેડૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ત્રણ કલાક માટે ચક્કાજામની જાહેરાત કરી છે.