Budget Session: આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્ર બે રીતે ખાસ છે - પ્રથમ આ સત્રમાં દેશના નાણામંત્રી વચગાળાનું બજેટ રજૂ કરશે. જ્યારે આ સત્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ ગૃહમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી નાગરિકોને રાહત મળવાની આશા છે. 9 ફેબ્રુઆરી સુધી ચાલનારુ સત્ર તોફાની બની શકે છે. વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે.


સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક


સંસદમાં બજેટ સત્ર પહેલા મંગળવારે તમામ પક્ષોના નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક માટે કેન્દ્ર દ્વારા તમામ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ બંને ગૃહોના તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક સંસદના પુસ્તકાલયમાં યોજાઈ હતી. બેઠક શરૂ થાય તે પહેલાં TMC સાંસદો સુદીપ બંદોપાધ્યાય અને સુખેન્દુ શેખર રે કેન્દ્રીય પ્રધાનો પ્રહલાદ જોશી અને અર્જુન રામ મેઘવાલને મળ્યા હતા. તેમના સિવાય આ બેઠકમાં MDMK સાંસદ વાઈકોએ હાજરી આપી હતી. બજેટ સત્ર 1 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન સાથે શરૂ થશે અને આ સત્ર 9 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.


વચગાળાનું બજેટ 2024


ભારતીય બંધારણના અનુચ્છેદ 112 હેઠળ સરકાર દરેક નાણાકીય વર્ષની શરૂઆત પહેલા સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરે છે. બજેટ એ નાણાકીય વર્ષમાં સરકારની આવક અને ખર્ચ સાથે સંબંધિત દસ્તાવેજ છે. આ નાણાકીય વર્ષ દર વર્ષે 1 એપ્રિલથી શરૂ થાય છે અને આવતા વર્ષની 31 માર્ચે સમાપ્ત થાય છે. આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, તેથી આ વખતે તે વચગાળાનું બજેટ હશે. આ વખતે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ નવી સરકાર આવે ત્યાં સુધી માત્ર સરકારી ખર્ચને પહોંચી વળવા માટે જ હશે. નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ સામાન્ય ચૂંટણી પછી ચૂંટાયેલી નવી સરકાર દ્વારા જૂલાઈમાં રજૂ કરવામાં આવશે.