નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થાય તે પહેલાં 20 જાન્યુઆરીએ હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવશે. જેનું નાણાં પ્રધાન દ્વારા સંચાલન કરવામાં આવશે. ઉત્તર બ્લોકમાં આયોજિત આ સમારોહમાં નાણામંત્રી સહિત નાણાં મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

આ સમારોહ સાથે લગભગ 100 કર્મચારીઓ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી નોર્થ બ્લોકથી નીકળવાનું બંધ થઈ જશે. હલવા સેરેમનીને સત્તાવાર રીતે બજેટ પ્રિન્ટિંગની શરૂઆત માનવામાં આવે છે. બજેટ રજૂ થાય તે પહેલા હલવા સેરેમની યોજવાની પરંપરા છે.


દર વર્ષે બજેટને અંતિમ સ્વરૂપ આપ્યાના થોડા દિવસ પહેલા નોર્થ બ્લોકમાં નાણાં મંત્રાલયની ઓફિસમાં એક મોટી કડાઈમાં હલવો બનાવવામાં આવે છે. નાણાં પ્રધાન પોતે આ કાર્યક્રમમાં ભાગ લે છે. હલવો બનાવવાની વિધિ ઘણા વર્ષોથી ચાલતી આવે છે.

બજેટના તમામ દસ્તાવેજો પસંદ કરેલા અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા બધા કમ્પ્યુટર્સને બીજા નેટવર્કથી જુદા પાડવામાં આવે છે. અંદાજે 100થી વધુ લોકોનો સ્ટાફ લગભગ 2 થી 3 અઠવાડિયા ઉત્તર બ્લોક ઓફિસમાં જ રહે છે. થોડા દિવસો માટે તેમને બહાર જવાની પરવાનગી નથી આપવામાં આવીતી.