વાસ્તવમાં 28 વર્ષનો શ્રીનિવાસ સોશિયલ મીડિયા પર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે બેંગલુરુના મૂડબિદ્રીમાં 1 ફેબ્રુઆરીએ પરંપરાગત‘કમ્બાલા દોડ’ એટલે કે ભેંસો સાથે દોડ યોજાઈ હતી. આ દરમિયાન શ્રીનિવાસે ભેંસોની જોડી સાથે દોડ લગાવી હતી, આ દોડમાં તેણે 142.5 મીટરનું અંતર 13.62 સેકન્ડમાં પૂરું કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ભારતનો ઉસેન બોલ્ટ ગણાવી રહ્યાં છે.
શ્રીનિવાસના વીડિયોને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ કિરેન રિજિજુને ટેગ કરીને ટ્વીટ કર્યો હતો. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રી મહાસચિવ મુરલીધર રાવે પણ પોતાના ટ્વીટમાં લખ્યું કે, આવી પ્રતિભાને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે તો નિશ્ચિતપણે દેશનું નામ રોશન કરી શકે છે, તેને મારી શુભકામનાઓ.
ભાજપ નેતાના આ ટ્વિટ પર ખેલ મંત્રી કિરણ રિજિજુએ જવાબ આપતા લખ્યું કે, મુરલીધર રાવજી સ્પોર્ટસ અથૉરિટી ઑફ ઈન્ડિયાના અધિકારીઓએ શ્રીનિવાસનો સંપર્ક કર્યો છે. દિલ્હી આવવા માટે તેમની રેલવે ટિકિટ પણ બૂક થઈ ગઈ છે. સોમવારે તે સ્પોર્ટસ અથૉરિટી ઑફ ઈન્ડિયાના સેન્ટર પહોંચશે. હું એ સ્પષ્ટ કરવા માંગીશ કે દેશના સર્વોત્તમ રાષ્ટ્રીય કૉચ તેમના ટ્રાયલ સમયે હાજર રહે. નરેન્દ્ર મોદીજી અને અમારી ટીમ દેશની ખેલ પ્રતિભાઓને ઓળખવા અને તેના માટે તમામ જરૂરી મદદ કરીશું.
શ્રીનિવાસ ગૌડાએ પોતાને ભાગ્યશાળી ગણાવતા કહે છે કે, ”દેશના લોકોએ તેની તુલના અમેરિકાના મહાન દોડવીર ઉસેન બોલ્ટ સાથે કરી રહ્યાં છે જ્યારે તે વર્લ્ડ ચેમ્પિયન છે અને હું તો ખેતરો અને કાદવમાં દોડનારો દોડવીર છું. ”
આ પહેલા પણ કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલયે અનેક ખેલાડીઓ અને આવા પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરી તેને ટ્રાયલ અને ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા કરી છે.