નવી દિલ્હી: દિલ્લીમાં કેજરીવાલ સરકારે ગ્રીન ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ફટાકડા ફોડનાર અથવા વેચાણ કરનારને રૂપિયા એક લાખ સુધીનો દંડ કરવામાં આવશે. દિલ્લીમાં સતત વધી રહેલા પ્રદૂષણને નિયંત્રીત કરવાના ઉદ્દેશથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર વાયુ પ્રદૂષણ કાયદા (1981) હેઠળ રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.


કોરોનાકાળમાં દેશમાં એકપછી એક રાજ્યો ફટાકડા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે, તેમાં હવે ચંડીગઢ અને કર્ણાટકનો પણ સમાવેશ થયો છે. કર્ણાટક અને ચંડીગઢે શુક્રવારે તેમના પ્રદેશોમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના કેટલાક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મામલે નોટિસ ફટકારી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે જાહેરાત કરી હતી કે ફટાકડા પર પ્રતિબંધ 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. રાયે કહ્યું કે આમ તો દિલ્હીમાં આખું વર્ષ સતત પ્રદૂષણની સમસ્યા રહે છે, પરંતુ દિવાળી પહેલાં ફટાકડા ફોડવામાં આવતા અને પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાથી દિલ્હીનું પ્રદૂષણ સ્તર વધી જાય છે. શહેરમાં કોરોનાના કેસની વધતી સંખ્યાને જોતા લોકોના જીવ બચાવવા માટે પણ ફટાકડાના વેપારીઓને થનારા નુકસાનના આર્થિક પાસાથી પણ આ પગલું ઘણું મહત્વપૂર્ણ છે.