નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ત્રણ અને સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. આ તમામ બેઠકોના પરિણામ 26 જૂને જાહેર થવાના છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના રામપુર અને આઝમગઢ જ્યારે પંજાબમાં સંગરુર લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. જ્યારે દિલ્હી, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને ત્રિપુરાની સાત વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે.


ઉત્તર પ્રદેશની રામપુર અને આઝમગઢ લોકસભા સીટ પર પેટાચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને મતદાન સ્થળો પર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બંને બેઠકો પરની પેટાચૂંટણીમાં 34.45 લાખ મતદારો મતદાન કરશે, જેમાં 18.78 લાખ પુરૂષ, 16.67 લાખ મહિલા અને 218 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે.


રામપુર લોકસભા સીટ પરથી 6 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે જ્યારે આઝમગઢથી 13 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. લોકસભાની બંને બેઠકો માટે 4234 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 291 સેક્ટર મેજિસ્ટ્રેટ, 40 ઝોનલ મેજિસ્ટ્રેટ, 10 સ્ટેટિક મેજિસ્ટ્રેટ અને 433 માઈક્રો ઓબ્ઝર્વર મતદાન સ્થળો પર તૈનાત કરવામાં આવ્યા છે. પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવા માટે કેન્દ્રીય દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.


ચાર રાજ્યોની આ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે


ચાર રાજ્યોમાંથી ત્રિપુરામાં અગરતલા, જુબરાજગર, સુરમા અને બારદોવાલા ટાઉન વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આંધ્રપ્રદેશના આત્મકુર, ઝારખંડની માંડર અને દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન થશે.


પેટાચૂંટણીઓ કેમ યોજાઈ રહી છે?


બે રાજ્યોની ત્રણ લોકસભા સીટો માટે પેટાચૂંટણીની વાત કરીએ તો યુપીની આઝમગઢ અને રામપુર લોકસભા સીટ પર પેટાચૂંટણી છે. અખિલેશ યાદવ આઝમગઢથી જ્યારે આઝમ ખાને રામપુરથી ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી, ત્યારબાદ તેમણે લોકસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.


પંજાબની સંગરુર લોકસભા સીટથી સાંસદ રહી ચૂકેલા ભગવંત માન પંજાબ વિધાનસભાની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા છે, તેમણે લોકસભા સીટ પરથી રાજીનામું આપ્યા બાદ તેના પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.


ચાર રાજ્યોની સાત વિધાનસભા બેઠકો વિશે વાત કરીએ તો AAP નેતા રાઘવ ચઢ્ઢા તાજેતરમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા પછી દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક ખાલી પડી છે.


YSR કોંગ્રેસના ધારાસભ્યના નિધન બાદ આંધ્રપ્રદેશની આત્મકુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્રિપુરામાં, અગરતલા, બોરદોવલી ટાઉન અને સૂરમાના બીજેપી ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું જ્યારે જુબરાજગરના સીપીઆઈ (એમ) ધારાસભ્યનું અવસાન થયું હતું જેના પછી આ ચાર બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.