મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકારી નિવાસસ્થાન છોડીને માતોશ્રી જવા રવાના થયા છે. જોકે, હજુ સુધી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં જોઇ શકાય છે કે સત્તાવાર નિવાસસ્થાનમાંથી ઉદ્ધવ ઠાકરેનો સામાન લઇ જવામાં આવી રહ્યો છે. જ્યારે માતોશ્રી બહાર  શિવસૈનિક ઠાકરેને સમર્થન આપવા માટે એકઠા થયા હતા.






આ અગાઉ ફેસબુક લાઇવ સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓને મુખ્યમંત્રી પદની લાલચ નથી. જો શિવસૈનિક ઇચ્છે તો તેઓ સરકારી નિવાસસ્થાન છોડી દેશે. એટલું જ નહી શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રીના પદ પરથી પણ રાજીનામું આપી દેશે.






શિવસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ પોતાના નજીકના લોકોને કહ્યું હતું કે આજે વર્ષા બંગલામાં અંતિમ દિવસ છે, હવે માતોશ્રી પર મુલાકાત થશે. આ બધા વચ્ચે મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તા મુંબઇમાં પોતાનું સમર્થન આપવા માતોશ્રી બહાર એકઠા થયા છે.






આ અગાઉ ફેસબુક લાઇવ પર સંબોધન દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મે હંમેશા મારી જવાબદારીઓ નિભાવી છે. હું મુખ્યમંત્રીનું પદ છોડવા માટે તૈયાર છું. જો મારા પોતાના લોકો મને મુખ્યમંત્રી તરીકે જોવા માંગતા નથી તો હું શું કરી શકું છું. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કહ્યું કે હું મારુ રાજીનામું આપવા માટે તૈયાર છું. મારી સામે આવો અને હું રાજીનામું આપવા તૈયાર છું. તેઓ રાજીનામું રાજભવન લઇ જાવ. હું જઇ શકું તેમ નથી કારણ કે મને કોરોના થયો છે.