નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદનાને ધાર્મિક આધાર પર બનાવવામાં આવ્યો છે અને આ કાયદો વિભાજનકારી હોવાનું કહીને મધ્યપ્રદેશમાં ભાજપના લગભગ 80 મુસ્લિમ નેતાઓએ પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ છોડવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં સામેલ કુરેશી ફર્શીવાલાએ શુક્રવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, લગભગ 80 મુસ્લિમ નેતાઓએ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગઇકાલે પત્ર મોકલીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ છોડી દીધું છે.


પાર્ટી છોડનારા નેતાઓમાં ભાજપના લઘુમતિ મોરચાના અનેક પદાધિકારી સામેલ છે. કુરેશીએ કહ્યું કે સીએએના કારણે અમારા સમુદાયના કાર્યક્રમમાં સામેલ થવું અમારા માટે મુશ્કેલ થઇ રહ્યું છે. આ આયોજનમાં લોકો અમને એમ કહે છે કે અમે સીએએ જેવા વિભાજનકારી કાયદા પર ક્યાં સુધી ચૂપ રહીશું. કોઇ પણ સમુદાયના વાસ્તવિક રીતે પીડિત શરણાર્થીને ભારતીય નાગરિકતા મળવી જોઇએ. તમે ફક્ત ધર્મના આધાર પર નક્કી નથી કરી શકતા કે આ વ્યક્તિ ઘૂસણખોર છે કે આતંકવાદી છે.
સીએએ વિરુદ્ધ ભાજપ છોડનારા મુસ્લિમ નેતાઓએ પત્રમાં કહ્યું કે, ભારતીય બંધારણની કલમ 14 હેઠળ કોઇ પણ ભારતીય નાગરિકને સમાનતાનો અધિકાર પ્રાપ્ત છે પરંતુ ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સીએએને ધાર્મિક આધાર પર લાગુ કરી દેશને વહેંચવાનું કામ કર્યું છે જે બંધારણની મૂળ ભાવનાની વિરોધમાં છે.