નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાને લઇને બિહારમાં જેડીયુ નેતા પ્રશાંત કિશોરે સીધી મુખ્યમંત્રી નીતિશ કુમારને પડકાર ફેંક્યો છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે એક ટ્વિટ કરી જાહેરાત કરી હતી કે બિહારમાં કોઇ પણ પરિસ્થિતિમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી લાગુ નહી થાય.


પ્રશાંત કિશોરે આ જાહેરાત ત્યારે કરી રહ્યા છે જ્યારે સંસદના બંન્ને ગૃહમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું હતું અને તેને પાસ કરવામાં ભાજપને મદદ કરી હતી. એવામાં પ્રશાંત કિશોર ધીમે ધીમે નીતિશ કુમારને પડકાર આપી રહ્યા છે. કિશોરે દાવો કરી રહ્યા છે કે બિહારમાં કોઇ પણ સ્થિતિમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી લાગુ નહી કરવામાં આવે.

નોંધનીય છે કે બે દિવસ અગાઉ કેન્દ્ર સરકારે આખા દેશમાં નવો નાગરિકતા કાયદાને લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું હતુ. કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે કેન્દ્ર સરકારે બનાવેલા આ નવા કાયદાને તમામ રાજ્યોને લાગુ કરવો પડશે. જોકે, અનેક રાજ્યોની સરકારોએ આ રાજ્યો પોતાને ત્યાં લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે.