કોલકત્તાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેલૂર મઠ બાદ કોલકત્તાના પોર્ટ ટ્રસ્ટ પહોંચ્યા હતા. અહીં તેઓ પોર્ટ ટ્રસ્ટના 150ના સ્થાપના દિવસ પર યોજાનારા કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા. તેમણે 150મા વર્ષમાં પ્રવેશને લઇને તમામ કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન આપ્યા હતા. જોકે, કોલકત્તા પોર્ટ ટ્રસ્ટના ગેટ પર તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો અહી કેટલાક લોકોએ વડાપ્રધાન મોદી સામે કાળા ઝંડા ફરકાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોર્ટ ટ્રસ્ટને રિટાયર્ડ કર્મચારીઓના  પેન્શન માટે 500 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.


વડાપ્રધાન મોદીએ પશ્વિમ બંગાળી મમતા બેનર્જી સરકાર પર હુમલો કરતા કહ્યું કે કેન્દ્રની યોજનાઓ અહી લાગુ કરવામાં આવી રહી નથી કારણ કે આ યોજનાઓમાં કમિશન મળી રહ્યું નથી. તેમને આશા છે કે મમતા બેનર્જી આયુષ્યમાન યોજના અને કિસાન સન્માન યોજનાને પોતાના રાજ્યમાં લાગુ કરવાની મંજૂરી આપશે. જેથી અહીના લોકોને આ યોજનાનો લાભ મળી શકે.


લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મા ગંગાના સાનિધ્યમાં ગંગાસાગર નજીક દેશની જળશક્તિના આ ઐતિહાસિક પ્રતીક પર આ સમારોહમા ભાગ લેવો મારા માટે સૌભાગ્યની વાત છે. કોલકત્તા પોર્ટના આધુનિકરણ અને વિસ્તાર માટે આજે કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. આદિવાસી દીકરીઓની શિક્ષણ અને કૌશલ વિકાસ માટે હોસ્ટેલ અને સ્કિલ ડેવલમેન્ટ સેન્ટરનું શિલાન્યાસ કરવામાં આવ્યું.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોલકત્તા પોર્ટ ભારતની ઔધોગિક, આધ્યાત્મિક અને આત્મનિર્ભરતાની આકાક્ષાનું પ્રતીક છે. એવામાં જ્યારે આ પોર્ટ 150મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે તેને ન્યૂ ઇન્ડિયાના નિર્માણનું એક પ્રતિક બનાવવું જરૂરી છે. પશ્વિમ બંગાળની, દેશની આ ભાવનાને નમન કરતા હું કોલકત્તા પોર્ટ ટ્રસ્ટનું નામ ભારતના ઔધોગિકરણના પ્રણેતા, બંગાળના વિકાસના સપના લઇને જીવનારા અને એક દેશ, એક બંધારણ માટે બલિદાન આપનારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પર કરવાની જાહેરાત કરું છું.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે આ અવસર પર હું બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરું છું. બાબા સાહેબ અને ડોક્ટર મુખર્જી બંન્નેએ સ્વતંત્રતા બાદના ભારત માટે નવી નીતિઓ આપી હતી. નવું વિઝન આપ્યું હતું. પરંતુ દેશનું દુર્ભાગ્ય રહ્યું કે ડોક્ટર મુખર્જી અને આંબેડકર સરકારમાંથી હટ્યા બાદ તેમની સૂચનાઓ પર અમલ કરવામાં આવ્યો નહીં.

વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકાર માને છે કે આપણા કોસ્ટ વિકાસના ગેટવે છે. એટલા માટે સરકાર સમૂદ્રના કનેક્ટિવિટી અને ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે સાગરમાલા પ્રોજેક્ટ શરૂ કર્યો છે.  આ યોજના હેઠળ લગભગ છ લાખ કરોડ રૂપિયાથી વધુના પોણા 600 કરોડ પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી ચૂકી છે જેમાંથી 3 લાખ કરોડ રૂપિયાથી વધુના 200થી વધુ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યુ છે અને લગભગ સવા સો પ્રોજેક્ટ પૂરા થઇ ચૂક્યા છે.