નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈના આયોજિત ભાજપની વિશાળ રેલીના થોડા જ કલાક બાદ નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર અને રાજ્યમાં ભાજપના ઉપાધ્યક્ષ યક્ષ ચંદ્ર કુમાર બોઝે સીએએને લઈને સવાલ ઉઠાવ્યો છે. તેમણે સવાલ કર્યો કે, સીએએમાં મુસ્લિમોને શામેલ કેમ કરવામાં આવ્યા નથી?


ચંદ્ર કુમાર બોઝે ટ્વીટ કરીને કહ્યું, ‘જો સીએએ 2019 કોઈ ધર્મ સાથે જોડાયેલ નથી તો શા માટે હિંદુ, શિખ, બૌદ્ધ, ઇસાઈ, પારસીઓ અને  જૈન લોકો પર જ જોર દેવામાં આવી રહ્યું છે. શા માટે મુસ્લીમોને શામેલ કરવામાં નથી આવતા? આપણે પારદર્શી બનવું જોઈએ. જો મુસ્લીમોની સાથે તેમના ગૃહ દેશમાં શોષણ નથી થતું તો તે નહીં આવે, માટે તેમને શામેલ કરવામાં કોઈ નુકસાન નથી. જોકે, એ પણ પૂરું સત્ય નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેનારા બલોચોંનું શોષણ થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે. ’ જણાવીએ કે, ભાજપની આ મેગા રેલી સોમવારે યોજાઈ હતી.

એક અન્ય ટ્વિટમાં બોઝે લખ્યું છે કે, ભારતની કોઈ અન્ય દેશ સાથે તુલના કે બરાબરી ન કરવી જોઈએ, કારણ કે અહીં તમામ ધર્મો અને સમુદાયોનો ખુલો દેશ છે. બીજેપીમાંથી આ કાયદાની વિરુદ્ધ સ્વર ત્યારે ઊઠ્યો છે જ્યારે બીજેપી સોશિયલ મીડિયા પર મોટા સ્તરે આ કાયદાને લઈ જાગૃતતા અભિયાન ચલાવી રહ્યું છે.