નવી દિલ્હીઃ ઝારખંડમાં ભાજપની કારમી હાર થઈ છે. ઝારખંડમાં રઘુવર દાસની આગેવાનીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. રાજ્યની 81 વિધાનસભા સીટમાંથી ભાજપને 25 સીટ મળી છે. હેમંત સોરેનની આગેવાનીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધને માત્ર બાજપને હરાવ્યું જ નહીં પણ મુખ્યમંત્રી રઘુવર દાસ પોતાની સીટ પણ બચાવી ન શક્યા. ઝારખંડમાં ભાજપની હાર પર શિવસેનાએ કટાક્ષ કર્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનમાં કહ્યું, ઝારખંડ પણ ભાજપના હાથમાંથી નીકળી ગયું.




સામનામાં લખવામાં આવ્યું છે કે, ભાજપના હાથમાંથી પહેલા મહારાષ્ટ્ર ગયુ અને હવે ઝારખંડ પણ ચાલ્યુ ગયુ. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત સમગ્ર કેન્દ્રિય પ્રધાનમંડળને પ્રચારમાં લગાવી દીધા હતા. તેમ છતાં ભાજપ ઝારખંડમાં જીતી શકી નથી. ભાજપના નેતા કોંગ્રેસ મુકત ભારતની જાહેરાત કરતા હતા. પરંતુ હવે ઘણા રાજ્ય ભાજપ મુકત થઈ ગયા છે. મધ્યપ્રદેશ અને રાજ્સથાન જેવા મોટા રાજ્યો ભાજપ પહેલા જ ગુમાવી ચુક્યુ છે.

૨૦૧૮માં ભાજપ ૭૫ ટકા વિસ્તારમાં સત્તા પર હતી. પરંતુ હવે ૩૦-૩૫ ટકા પ્રદેશોમાં જ ભાજપની સત્તા છે. ભાજપની આ અશ્વદોડ ઘણા રાજ્યોમાં નબળી પડતી ગઈ છે.