લખનઉ: નાગરકિતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. ગુરુવારે લખનઉમાં હિંસક વિરોધ પ્રદર્શન થયું હતું. જેમાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તીનું મોત નીજપ્યું હતું. જ્યારે બે લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા છે. પ્રદર્શનકારી યુવકના પેટમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ તેને લખનઉ ટ્રામા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યા તેનું મોત નીપજ્યુ હતું.

શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેના બાદ પોલીસે પણ ભીડ પર નિયંત્રણ રાખવા લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી અને વાહનોમાં આગ ચાંપી દીધી હતી. આ વિરોધ પ્રદર્શન પર મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે કડક વલણ અપનાવ્યું છે.


સીએમ યોગી આદિત્યનાથે તોફાની તત્વ સામે સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. યોગી આદિત્યનાથે જનતાના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે. સાથે અફવાઓ ફેલાવનાર સામે પણ સખત નજર રાખવા કહ્યું છે. સીએમ યોગીએ કહ્યું, જે પણ હિંસાના દોષિત હશે તેની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. તેનાથી હિંસામાં કરાયેલ નુકશાનની ભરપાઇ કરવામાં આવશે.


ઉત્તર પ્રદેશના ગુરુવારે ધારા 144 લાગુ હોવા છતા પણ લખનઉમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે જોત જોતામાં ઉગ્ર બની ગયું હતુ. આ દરમિયાન પરિવર્તન ચોક પાસે 10 કાર, 3 બસ, 4 મીડિયા ઓબી વાન અને 20 બાઈકને આગને હવાલે કરી દીધી હતી.

બીજી તરફ  કર્ણનાટકના મંગલોરમાં બે પ્રદર્શનકારીઓના મોત થયા હતા. આ ઘટના બાદ મંગલોરમાં શુક્રવારે સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવી છે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લેતા કર્ણાટકના મેંગલુરુમાં કર્ફ્યૂ લગાવી દેવાયું છે, તે સિવાય સમગ્ર કર્ણાટકમાં ધારા 144 લાગૂ કરવામાં આવી છે. સીએએ વિરુદ્ધ કર્ણાટકમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે.