UPના આઠ જિલ્લામાં 24 કલાક બંધ રહેશે ઇન્ટરનેટ સેવા, જુમાની નમાજને લઇને સુરક્ષા વધારાઇ
abpasmita.in | 26 Dec 2019 08:36 PM (IST)
જે જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ રહેશે તેમાં ગાજિયાબાદ, આગ્રા, મથુરા અને ફિરોઝાબાદનો સમાવેશ થાય છે.
લખનઉઃનાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી-એનપીઆર મામલે દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે એક મોટું પગલુંભર્યું છે. વહીવટીતંત્રએ સતર્કતા રાખતા રાજ્યના આઠ જિલ્લામાં ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ રહેશે તેમાં ગાજિયાબાદ, આગ્રા, મથુરા અને ફિરોઝાબાદનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આવતીકાલે જુમાની નમાજનો દિવસ છે. એવામાં કોઇ પ્રકારની હિંસા ના ફેલાય અને સમાજમાં શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. જ્યારે એક મુસ્લિમ ધર્મગુરુ ખાલિદ રશીદ ફિરંગીએ મુસ્લિમોને એક અપીલ કરી છે. તેમણે કહ્યું કે, શુક્રવારે તમામ મુસ્લિમ રોજા રાખે. આ અગાઉ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાની તપાસ માટે યુપી સરકારે એસઆઇટીની રચના કરી છે. આ જાણકારી ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે આપી હતી. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે પોલીસ દળો પેટ્રોલિંગ કરી રહ્યા છે. જિલ્લામાં અસામાજિક તત્વો પર નજર રાખી રહી છે. આ માટે અનેક પ્રકારના વિકલ્પોની મદદ લઇ રહી છે. પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. ભડકાઉ પોસ્ટ અને અફવાઓથી લોકોને બચવાની સલાહ આપવામાં આવી રહી છે