નવી દિલ્હીઃ નાગરિકતા કાયદા પર દેશના તમામ હિસ્સામાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. કાયદાને લઇને હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જ સવાલ ઉભા થયા છે. કેન્દ્રના એક મંત્રીનું માનવું છે કે સરકાર લોકોના ગુસ્સાને સમજવામાં નિષ્ફળ રહી છે. નાગરિકતા કાયદા પર કેન્દ્ર સરકાર છેલ્લા છ વર્ષના સૌથી મોટા વિરોધનો સામનો કરી રહી છે. આ કાયદા મુજબ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને શરણ આપવામાં આવશે. જેમાં મુસ્લિમો સામેલ નથી. એક ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટ અનુસાર, ભાજપના અનેક નેતા આ પ્રકારના પ્રદર્શનથી આશ્વર્યમાં છે. તેમનું માનવું છે કે તે કેટલાક વિરોધ માટે તૈયાર હતા પરંતુ આટલા વ્યાપક પ્રમાણમાં વિરોધ થશે તેનો કોઇને અંદાજ નહોતો. હવે પાર્ટી અને સરકાર સંકટથી બહાર આવવા માટે પ્રયાસો કરી રહી છે.
કેન્દ્રિયમંત્રી સંજીવ બાલિયાને રોયટર્સ સાથેની વાતચીતમાં કહ્યુ કે, મે વાસ્તવમાં આ પ્રકારના વિરોધ પ્રદર્શનો જોયા નથી. મારા સિવાય ભાજપના અન્ય નેતાઓને પણ આ પ્રકારના વિરોધની આશા નહોતી. નોંધનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી કહી ચૂક્યા છે કે સીએએ નાગરિકતા મામલે નથી અને એનઆરસી પર હજુ સુધી કોઇ ચર્ચા થઇ નથી. બીજી તરફ એક મંત્રીનું કહેવુ છે કે હાલમાં તમામ મંત્રીઓ ડેમેજ કંન્ટ્રોલ મોડમાં છે. ભાજપ અને તેના સહયોગી સંગઠનો આ મુદ્દા પર જાગરૂકતા અભિયાન ચલાવી રહ્યા છે.