નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આસામમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે ત્યારે અનેક પૂર્વોત્તર રાજ્યોમાં આ કાયદાને લઇને વિરોધ થઇ રહ્યો છે. મધ્યપ્રદેશ અને કેરલ સહિત અનેક રાજ્યોએ આ કાયદાને બંધારણ વિરોધી ગણાવી રાજ્યમાં લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે CAB મુદ્દા પર કહ્યું કે, કોણ આ કાયદાને બંધારણીય ગણાવી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં કેન્દ્ર સરકારે જેટલા પણ કાયદાઓ બનાવ્યા તે કોર્ટમાં ફસાઇ ગયા છે. આ બિલમાં ખૂબ ખામીઓ છે. બિલ પુરી રીતે ગેરબંધારણીય છે. જેથી આ કાયદો પણ સુપ્રીમ કોર્ટમાં નહી ટકી શકે. હું એકલો જ આવું કહી રહ્યો નથી. સોલી સોરાબજી, નિવૃત જસ્ટિસ મદન બી લોકુર અને સંતોષ હેગડે પણ આવું કહી રહ્યા છે.


મોદી સરકાર પર નિશાન સાધતા ચિદંબરમે કહ્યું કે, તેમને આ કાયદો લાવવાની સલાહ કોણે આપી? સરકાર પર અસફળ રહેવાનો આરોપ લગાવતા તેમણે કહ્યુ કે, મોદી સરકાર જ્યારે પોતાની નીતિઓમાં નિષ્ફળ રહે છે ત્યારે જૂના મુદ્દાઓ પર વાત કરવા લાગે છે. કોઇ નિર્ણય જલદી ના લો. લોકો સાથે વાતચીત કરો. હિંદુત્વ મોદી સરકારના એજન્ડામાં સામેલ છે. નાગરિકતા કાયદો લાગુ કરવાનો અર્થ છે કે તે મુસ્લિમોને બહાર રાખવા માંગે છે.