નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા મામલે પોલીસે આજે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ ડાબેરી સહિત અનેક પક્ષોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, જે લોકો ફરિયાદ કરે તેને ગોળી મારી દો.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતમાં માત્ર એક એનજીઓ માટે જગ્યા છે અને તેનું નામ આરએસએસ છે. બાકી તમામ એનજીઓ બંધ કરી દો. તમામ ચળવળકર્તાઓને જેલમાં મોકલી દો અને જે લોકો ફરિયાદ કરે તેને ગોળી મારી દો. ન્યૂ ઈન્ડિયામાં તમારું સ્વાગત છે.
મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવ હિંસા કેસમાં પુના પોલીસે મંગળવારે દેશના 6 શહેરોમાં દરોડા પાડ્યા. આ દરમિયાન હૈદરાબાદથી ડાબેરી કાર્યકર્તા-કવિ વારવરા રાવ અને છત્તીસગઢમાં ટ્રેડ યુનિયન કાર્યકર્તા સુધા ભારદ્વાજ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહી એલ્ગર પરિષદ અને નક્સલીઓના સંપર્કની તપાસ બાદ કરવામાં આવી હતી.
ચાલુ વર્ષ જાન્યુઆરીમાં મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવમાં હિંસા ભડકી ઉઠી હતી. જેની શરૂઆત 29 ડિસેમ્બર, 2017થી થઈ હતી. આ દિવસે પુણેના વડુ ગામમાં દલિત જાતિના ગોવિંદ મહારાજની સમાધિ પર હુમલો થયો હતો, જેનો આરોપ મિલિંદ એકબોટેના સંગઠન હિન્દુ મોર્ચા પર લાગ્યો અને એફઆઈઆર નોંધાઈ. એક જાન્યુઆરીના રોજ દલિત સમાજના લોકો પુણેના ભીમા કોરેગાંવમાં શૌર્ય દિવસ મનાવવા એકઠા થયા અને આ દરમિયાન સવર્ણો તથા દલિતો વચ્ચે હિંસા ભડકી હતી.