Cabinet Meeting Latest Update: કેબિનેટની પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે આ વર્ષના ખરીફ પાકોની સીઝનના વેચાણના ટેકાના ભાવ જાહેર કર્યા હતા. આ જાહેરાતમાં કુલ 14 પાકોના નવા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે, 2014 પહેલા 1-2 પાકોની ટેકાના ભાવે (MSP) ખરીદી થતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ બાકીના પાકોનો પણ ટેકાના ભાવની યાદીમાં સમાવેશ કરાયો છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, 2022-23ના વર્ષ માટે ખરીફ પાકોના વેચાણની સીઝન માટે 14 પાકોના ટેકાના ભાવ નક્કી કરાયા છે. ધાન્ય પાકોની એમએસપી 2040 રુપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરાઈ છે અને ધાન્ય પાકોની એમએસપીમાં 100 રુપિયા પ્રતિ ક્વિંટલ ભાવ વધારવામાં આવ્યા છે.
તૂવેર દાળ ઉપર 300 રુપિયા વધ્યાઃ
આ સાથે કેન્દ્રિય કેબિનેટે તૂવેર દાળના ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે. આ વર્ષે તૂવેરની એમએસપી 6600 રુપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષ કરતાં ખેડૂતોને તૂવેરના ભાવમાં પ્રતિ ક્વિંટલ 300 રુપિયા વધુ મળશે
તલના ભાવમાં કરાયો વધારોઃ
અનુરાગ ઠાકુરે આગળ કહ્યું કે, આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, તલના ભાવમાં 523 રુપિયાનો વધારો કરવામાં આવશે. મગના ભાવમાં પણ પ્રતિ ક્વિંટલ 480 રુપિયા વધારવામાં આવશે. સૂરજમુખી ઉપર પણ 358 રુપિયા પ્રતિક્વિંટલ ખેડૂતોને વધુ મળશે. મગફળીના ભાવની વાત કરીએ તો, હવે સરકાર ખેડૂતોને મગફળીમાં પ્રતિક્વિંટલ 300 રુપિયા વધુ આપશે.
અગાઉ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ભારત પાસે ખરીફ તેમજ રવિ સિઝનની ખાતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે યુરિયાનો પૂરતો સ્ટોક છે અને ડિસેમ્બર સુધી તેની આયાત કરવાની જરૂર રહેશે નહીં. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં ઘટાડો થયો છે અને એવી અપેક્ષા છે કે આગામી છ મહિનામાં તેના ભાવ વધુ નીચે આવશે.
માંડવિયાએ સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “દેશમાં યુરિયાની પૂરતી ઉપલબ્ધતા છે. સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા અમારી પાસે ડિસેમ્બર સુધી યુરિયાનો સ્ટોક છે. અમારે ડિસેમ્બર સુધી આયાત કરવાની જરૂર નથી.” મંત્રીએ કહ્યું કે સરકારે પહેલેથી જ 1.6 મિલિયન ટન યુરિયાની આયાત કરી છે, જે આગામી 45 દિવસમાં મોકલવામાં આવશે.