મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અગાઉ શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા ધમાસાણ વચ્ચે મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, તે શિવસેનાના યુવા પાંખના વડા આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી પદ આપવા માટે તૈયાર છે. સાથે તેમણે કહ્યું કે, ભલે ગમે તે થાય મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે.


ફડણવીસે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે કોઇ પણ કિંમત પર આ ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને બીજા સહયોગીઓ સાથે મળીને ચૂંટણી લડશે. અમારા જૂના સાથીઓને સાઇડલાઇન કરવાની અમારી પરંપરા નથી પછી ભલે અમે સૌથી મોટો પક્ષ કેમ ના હોય. અમે સમાન બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર છીએ. બેઠકોની વહેંચણી 130 થી  140 સુધીની થઇ શકે છે અને બાકીની બેઠકો સહયોગી પક્ષોને આપવામાં આવશે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે.

ચર્ચા એવી હતી કે શિવસેના હવે આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી પદ માટે પ્રોજેક્ટ કરી રહી છે. જેના પર ફડણવીસે જવાબ આપ્યો હતો કે અમને  તેમાં કોઇ સમસ્યા નથી. અમે હાલમાં પણ એ પદ માટે તૈયાર છીએ. ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનાર આદિત્ય પ્રથમ સભ્ય હશે અને જો તે અમારી સરકારનો હિસ્સો બનશે તો અમને ખુશી થશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ ભાજપ અને તેના સહયોગી પક્ષ શિવસેના વચ્ચે ટકરાવનો મુદ્દો બન્યો છે. આદિત્ય ઠાકરે હાલમાં  રાજ્યવ્યાપી જન આશિર્વાદ યાત્રા પર છે અને હવે ફડણવીસે એક ઓગસ્ટથી પોતાની મહાજનાદેશ યાત્રા શરૂ કરી દીધી છે.