સરકારનું કહેવું છે કે મિશન કર્મયોગી દ્વારા ભારતીય સિવિલ સેવાના ઓફિસરોને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવશે. ઓફિસરો રચનાત્મક, પ્રોફેશનલ, પ્રોગ્રેસિવ અને પારદર્શી રીતે કામ કરી શકે તે રીતે તેમને તૈયાર કરાશે. કર્મચારીઓના વિકાસ માટે કેપેસિટી બિલ્ડિંગ કમિશનની રચના કરવામાં આવશે. જેનાથી ટ્રેનિંગના સ્ટાન્ડર્ડમાં સુધારાનો પ્રયાસ કરાશે.
જાવડેકરે કહ્યું, ગત કેબિનેટ મીટિંગમાં સરકારે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીને મંજૂરી આપી હતી અને હવે ભરતી બાદ સુધારા પર ભાર આપવામાં આવી રહ્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રીએ કહ્યું, આ યોજના વિશ્વની સૌથી મોટી માનવ સંસાધન સ્કીમ હશે.
આ ઉપરાંત મોદી કેબિનેટે આજે જમ્મુ-કાશ્મીર માટે 5 સત્તાવાર ભાષાને મંજૂરી આપી છે. સંસદની મંજૂરી મળ્યા બાદ કાશ્મીરી, ડોગરી, ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર ભાષા હશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, મંત્રીમંડળે જમ્મુ-કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020ને મંજૂરી આપી છે. આ ફેંસલો લોકોની માંગ પર લેવામાં આવ્યો છે.
હાલ જમ્મુ-કાશ્મીરમાં અંગ્રેજી અને ઉર્દૂ રાજ્યની સરકારી ભાષા છે. જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન એક્ટની કલમ 47 મુજબ રાજ્યની વિધાનસભાને કોઈ એક કે વધારે ભાષાને સરકારી ભાષા બનાવવાનો અધિકાર છે.