કોલકત્તા હાઇકોર્ટેના મમતા સરકારને નિર્દેશ- ડોક્ટરોને કામ પર પાછા ફેરવવા રાજી કરો
abpasmita.in | 14 Jun 2019 05:03 PM (IST)
હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યુ હતું કે, તે હડતાળ કરી રહેલા ડોક્ટરોને કામ પર પાછા ફરવા અને દર્દીઓને સામાન્ય સેવાઓ આપવા માટે રાજી કરે.
કોલકત્તાઃ કોલકત્તા હાઇકોર્ટે બે ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં સરકારી હોસ્પિટલોના ડોક્ટરોની હડતાળ પર કોઇ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ચીફ જસ્ટિસ ટીબીએન રાધાકૃષ્ણન અને જસ્ટિસ સુવ્રા ઘોષની ખંડપીઠે રાજ્ય સરકારને કહ્યુ હતું કે, તે હડતાળ કરી રહેલા ડોક્ટરોને કામ પર પાછા ફરવા અને દર્દીઓને સામાન્ય સેવાઓ આપવા માટે રાજી કરે. હાઇકોર્ટે મમતા બેનર્જીની સરકારને આ નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટે એક જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હડતાળ કરી રહેલા ડોક્ટરોને યાદ અપાવ્યુ હતું કે, તેમણે તમામ દર્દીઓના ભલું કરવાની શપથ લીધી હતી. આ કેસની આગામી સુનાવણી 21 જૂનના રોજ કરવામાં આવશે. હાઇકોર્ટે સરકારને પૂછ્યું છે કે તેમણે ડોક્ટરોની સુરક્ષા માટે શું પગલા ભર્યા છે. નોંધનીય છે કે એક જૂનિયર ડોક્ટર સાથે મારપીટના કારણે રાજ્યભરમાં ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે. બંગાળના ડોક્ટરોને આખા દેશમાંથી સમર્થન મળી રહ્યું છે. દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશના સહિત અનેક રાજ્યોના ડોક્ટરો પણ હડતાળ પર ઉતર્યા છે. અત્યાર સુધીમાં બંગાળમાં 43 ડોક્ટરોએ હડતાળના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે.