Birbhum Violence Case: બીરભૂમ હિંસા અને ઘરોને આગ લગાવવાની ઘટનાની તપાસ સીબીઆઇ કરશે. કોલકત્તા હાઇકોર્ટે આ અંગેનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં ટીએમસી નેતાની હત્યા બાદ હિંસા ભડકી હતી. અહી અનેક ઘરોમાં આગ લગાવી દેવામાં આવી હતી. આગના કારણે બે બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે. જેમાં ત્રણ મહિલાઓ સામેલ હતી. આ મામલામાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરાઇ છે.


બીરભૂમ હિંસા મામલે કોલકાતા હાઈકોર્ટે જાતે જ સંજ્ઞાન લઇને સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે પોતે અગાઉ સીબીઆઈ તપાસની માંગને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે રાજ્યને તપાસની પ્રથમ તક આપવી જોઈએ.


પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ મામલાની તપાસ SIT અથવા CBI દ્વારા કરાવવામાં આવે. આ અરજી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ દાખલ કરી છે.


ફોરેન્સિક રિપોર્ટે ચોંકાવ્યા


પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હિંસાના મામલામાં ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મૃતકોને જીવતા સળગાવવામાં આવે તે પહેલા ખૂબ જ માર મારવામાં આવ્યો હતો.