નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપના દિવસ અને વિજયાદશમી ઉત્સવ આજે નાગપુરમાં સંઘ સ્થિત હેડક્વાર્ટરમાં ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે યોજનારા આરએસએસના વિજયાદશમી કાર્યક્રમમાં આ વર્ષે એચસીએલના સંસ્થાપક-ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત શિવ નાદર મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આરએસએસના કાર્યક્રમમાં શિવ નાદર સિવાય કેબિનેટ મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. તે સિવાય મોટી સંખ્યામાં નાગરિકો પણ સામેલ થયા હતા. કાર્યક્રમ હેઠળ સૌ પ્રથમ આરએસએસના સ્વયંસેવકોએ પથ સંચાલન કર્યું હતું જે લગભગ 2 કિલોમીટરનો હતો. ત્યારબાદ શસ્ત્ર પૂજન કરાયુ હતું. શસ્ત્ર પૂજન બાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ શિવ નાદરનું સ્વાગત કરાયું હતું.




ત્યારબાદ સમારોહના મુખ્ય અતિથિ શિવ નાદરે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે, તે આ ઉત્સવમાં સામેલ થઇને સન્માનિત અનુભવી રહ્યા છે. આરએસએસના કાર્યકર્તાઓની ઉર્જાથી રેશમીબાગ જીવંત થઇ ઉઠ્યો છે. આરએસએસની સ્થાપના દિવસ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, એવું નથી કે લોકશાહીની વ્યવસ્થા પશ્વિમ દેશોએ ભારતને આપી છે પરંતુ આ ભારતની પરંપરાનો હિસ્સો રહ્યો છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઘણા દિવસો બાદ લાગ્યું કે દેશમાં કાંઇ ફેરફાર થઇ રહ્યો છે અને પ્રથમવાર સાહસી નિર્ણયો લેનારી સરકાર આવી છે.

મોહન ભાગવતે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના વિચારની દિશામાં એક ફેરફાર આવ્યો છે. જોકે, ભારતને આગળ વધતુ જોવું જેને સ્વાર્થ માટે ડર પેદા કરે છે એવી શક્તિઓ પણ ભારતને દઢતા અને શક્તિથી સંપન્ન થવા દેવા માંગતી નથી. મોહન ભાગવતે મોબ લિંચિંગની ઘટના સંઘ સંબંધિત ન હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ બધાને સંઘ સાથે કોઇ સંબંધ નથી અને સ્વયંસેવક એવા કામ કરતા નથી. જો કોઇ સ્વયંસેવક તેમાં સામેલ હોવાની વાત સામે આવે છે તો સંઘ તેનો બચાવ કરતું નથી. આખા દેશ અને હિંદુ સમાજને સર્વત્ર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંઘના સ્વયંસેવક કોઇને મારવા નહી પરંતુ બચાવવા જશે.