India-Canada Relations: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાએ મંગળવારે (19 સપ્ટેમ્બર) તેમના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી. જેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવા જણાવ્યું છે.


કેનેડાએ તેની પાછળ સુરક્ષાને કારણ ગણાવ્યું છે. અપડેટ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, "જમ્મુ અને કાશ્મીર ન જાવ કારણ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે."






કેનેડાએ આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમજ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.


કેનેડાના આ ઉશ્કેરણીજનક પગલા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે અને આરોપોને વાહિયાત ગણાવ્યા છે. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢવામાં આવ્યા છે. ભારતની જવાબી કાર્યવાહી બાદ ટ્રુડોનું નિવેદન મંગળવારે (19 સપ્ટેમ્બર)ના રોજ આવ્યું હતું.
 
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું? 


કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે કહ્યું, “અમે તણાવ ઉશ્કેરવાનો કે વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યા. અમે માત્ર હકીકતો રજૂ કરી રહ્યા છીએ.


ટ્રુડોએ વધુમાં કહ્યું કે અમે દરેક બાબતની સ્પષ્ટતા કરવા અને યોગ્ય પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સાથે કામ કરવા માંગીએ છીએ.


તમને જણાવી દઈએ કે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગુરુદ્વારાની બહાર 18 જૂને બે અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.


કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ હવે નરમ વલણ અપનાવ્યું છે. તેણે કહ્યું છે કે તે ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યા, પરંતુ તે નિજ્જરની હત્યા પર જવાબ માંગે છે. હરદીપ સિંહ નિજ્જર એક ખાલિસ્તાની આતંકવાદી હતો જેને 18 જૂનના રોજ સરે શહેરમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં શીખોની વસ્તી છે. હવે જસ્ટિન ટ્રુડોએ સંસદમાં દાવો કર્યો છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. કેનેડાની સુરક્ષા એજન્સીઓએ તેને આ અંગે નક્કર માહિતી આપી છે. જોકે, ભારતે કેનેડાના આ આરોપોને ફગાવી દીધા છે.